Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં ઘોઘાવદરના ૩ મિત્રોના મોત

ગોંડલમાં આયોજીત ક્રિકેટ મેચ નિહાળી પરત ફરતી વખતે દુર્ઘટનાઃ ભરવાડ-કોળી પરિવારમાં અરેરાટી

ગોંડલ : ઘોઘાવદર રોડ ઉપર સર્જાયેલ અકસ્માતમાં ૩ યુવકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બંન્ને વાહનો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ  ભોજાણી - ગોંડલ)

ગોંડલ તા.૧૪ : ગોંડલ તાલુકાના ઘોઘાવદર રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઘોઘાવદરના  ૩ જીગરજાન મિત્રોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. કોળી પરિવારના ર અને ભરવાડ પરિવારના એક યુવકનો અકસ્માતમાં ભોગ લેવાતા નાના એવા ઘોઘાવદર ગામમાં ઘેરો શોક છવાયો છે.

ગોંડલથી ઘોઘાવદર જતા રોડ પર ધારેશ્વર ચોકડી પાસે રાત્રિના બાર કલાકે કવાલીસ કાર (નં.જી.જે.૬.એ.એચ.૭૭૨૮) અને હીરોહોન્ડા મોટર સાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘોઘાવદરના આશાસ્પદ ત્રણ યુવાનોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. જયારે કવાલીસમાં બેઠેલા બે ને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ગોંડલ થી ઘોઘાવદર જતાં રોડ પર ધારેશ્વર ચોકડી પાસે રાત્રિના બાર કલાકે કવાલીસ કાર (નં. જીજે૬એએચ-૭૭૨૮) અને હીરોહોન્ડા મોટરસાઈકલ વચ્ચે ગમખત્વાર અકસ્માત સર્જાતા ઘોઘાવદર ના આશાસ્પદ ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા જયારે કવાલીસમાં બેઠેલા બે ને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ગોંડલની ધારેશ્વર ચોકડી પાસે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાયા જ કરે છે ત્યારે આ જગ્યાએ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનતાં ઘોઘાવદર ના ત્રણ યુવાનોના મોત નિપજયા હતા અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના કોલેજ ચોક ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હોય ઘોઘાવદર રહેતા સાગર બાબુભાઈ સોરીયા ઉમર વર્ષ ૨૨ જાતે ભરવાડ, નિર્મળ ધીરુભાઈ વાઘેલા ઉમર વર્ષ ૧૭ જાતે કોળી, તેમજ મિલન શિવાભાઈ જેઠવા ઉમર વર્ષ ૧૬ જાતે કોળી રાત્રિના ટુર્નામેન્ટ જોઈ ઘોઘાવદર પરત જઈ રહ્યા હતા ત્યારે ધારેશ્વર ચોકડી પાસે પુરપાટ ઝડપે દોડી ને આવી રહેલ કવાલીસ (નં. જીજે૬એએચ-૭૭૨૮)ના ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘોઘાવદર ના આશાસ્પદ ત્રણેય યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા, ઘટનાની જાણ સિટી પોલીસ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમાજસેવકો ની એમ્બ્યુલન્સો પણ પહોંચી હતી બાદમાં ત્રણ યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જયારે અકસ્માતમાં ઘાયલ થયેલ અને ઘોઘાવદર જ રહેતા કુંદન મનસુખભાઈ સોલંકી ઉમર વર્ષ ૧૯, ત્રિલોકદાસ શામળદાસ સોલંકી ઉમર વર્ષ ૨૨ ને સારવાર માટે એડમીટ કરવામાં આવ્યા હતા.

સાગર બે ભાઇ-બહેનમાં મોટોઃ નિર્મળ - મિલન એકના એક ભાઇ

ગોંડલ : સાગર બે ભાઇ અને એક બહેન ના પરિવારમાં મોટો હતો અને ઘરના આધાર સ્થંભ સમો હતો. જયારે નિર્મળ અને મિલન એક બહેનના એકના એક જ ભાઈ હતા.

સાગર સોરીયાએ હોટલ શરૂ કરી'તીઃ નિર્મળ વાઘેલા કડિયા કામ કરતો'તો

ગોંડલ : ઘોઘાવદર ના આશાસ્પદ ત્રણે યુવાનોમાં સાગર સોરીયા એ તાજેતરમાં જ નાના માંડવા ગામ પાસે હોટલ શરૂ કરી હતી, જયારે નિર્મળ વાઘેલા કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો અને મિલન જેઠવા હાલમાં જ એસએસસીની પરીક્ષા પૂર્ણ કરી વેકેશનની મજા માણી રહ્યો હતો ત્યાં જ કુદરતે ત્રણે જીગરજાન મિત્રોના એકસાથે પોતાના દ્વારા બોલાવી લેતા નાના એવા ઘોઘાવદર ગામમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો.

કોળી - ભરવાડ સમાજના લોકો હોસ્પિટલે ઉમટયા

ગોંડલ : ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ઘોઘાવદર થી સમાજના અનેક લોકો ગોંડલ સરકારી દવાખાને ઘસી આવ્યા હતા જયારે ગોંડલ રહેતા કોળી સમાજના આગેવાન અને ભરવાડ સમાજના આગેવાનો પણ સરકારી દવાખાને ઘસી આવ્યા હતા.

(11:47 am IST)