Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

તન, મન અને ધનની ઉણપ નહીં વર્તાય, મેથળાનો બંધારો બનીને જ રહેશેની ગર્જનાઃ બેઠક મળી

અલ્ટ્રાટ્રેક સિમેન્ટ ફેકટરી વિરૂદ્ધ ગામેગામ પોસ્ટર લાગશે

ભાવનગર, તા. ૧૪ :. તળાજાના મેથળા ગામ નજીક મેથળા બંધારા સમિતિ દ્વારા આસપાસના પંદરથી વધુ ગ્રામજનોના શ્રમદાન અને દાતાઓની સખાવતથી બંધાતા બંધારાને લઈ આજે બેઠક મળી હતી. બેઠકમાં બંધારાનું કામ જયાં સુધી સરકાર અહીં નક્કર કામગીરી નહી કરે ત્યાં સુધી અટકશે નહીં અને સિમેન્ટ ફેકટરીના વિરૂદ્ધમાં પણ આંદોલન ચાલુ રાખવાની ગર્જના કરવામાં આવી હતી.

ખારાશ દૂર કરવા અને મીઠા પાણીનું જળાશય બાંધવાની સરકાર સમક્ષ મુકેલી માગ છેલ્લા વીસ - વીસ વર્ષથી પૂર્ણ ન થતા આખરે તળાજા-મહુવા તાલુકાના મેથળા ગામની આસપાસના ખેડૂતો, ખેત મજુરો, સ્થાનિક રહીશોની બનેલી બંધારા સમિતિએ સ્વયંભુ રીતે 'જાત મહેનત ઝીંદાબાદ'ના સૂત્રને સાર્થક કરવા માટે બંધારા નિર્માણનું કાર્ય હાથ ધર્યાનું પખવાડીયુ થયુ છે.

બંધારા સમિતિના ભરતભાઈ ભીલએ જણાવ્યુ હતુ કે, બંધારાના નિર્માણ માટે તન, મન અને ધનની ઉણપ નહીં વર્તાય. દરરોજ શ્રમદાનીઓ વધી રહ્યા છે. વાહનો અને આર્થિક ફંડ વધી રહ્યુ છે. સરકાર જ્યાં સુધી અહીં નક્કર કામગીરી શરૂ નહીં કરે ત્યાં સુધી બંધારાનું કામ અટકશે નહીં.

અલ્ટ્રાટ્રેક સિમેન્ટ ફેકટરીને અહીં માઈનીંગ કોઈપણ કાળે કરવા નહી દઈએ. બન્ને કામોના આયોજન માટે દર શુક્રવારે મીટીંગ મળશે તેવુ બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ હતું.

(11:29 am IST)