Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સારા સંકલ્પોના અમલ માટે મુહુર્ત ન જોવાયઃ મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ધ્રોલમાં યોજાયેલ કાર્યક્રમ

ધ્રોલઃ  એમ.ડી.મહેતા એજયુ. ટ્રસ્ટ સંચાલીત એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કુલમાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ બેસ્ટ એકટીવ સ્ટુડન્ટ એવોર્ડ વિતરણ શાળાના ઓ.એસ. મીનાબેન જે.શેઠનો વયનિવૃતી કાર્યક્રમ અને સંસ્થાના પીએચડીની ડીગ્રી મેળવનાર કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાઇ ગયો. શિક્ષણ સંવાહક હંસાબેન, મેનેજીંગ કમીટીના સભ્ય ગોવિંદભાઇ, ધૃતિબેન, હર્ષાબા, સલાહકાર સમીતીના સભ્યશ્રી દિલીપભાઇ વિભાગીય વડા શિક્ષણગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. હે શારદે મા...સમુહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત બાદ નીતાબેન દ્વારા શાબ્દીક સ્વાગત અને તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા કાર્ડ આપીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ધો.૧૦ની વિદ્યાર્થીની પરમાર વિધિ અને ધો.૧રની વિદ્યાર્થીની ભટ્ટ દેવાંશીએ વિદ્યાર્થી પ્રતિભાવ તેમજ શાળાના શિક્ષક શ્રી મનીષાબેને શિક્ષક શુભેચ્છા અર્પી હતી. ધો.૧૦ અને ૧રના પ્રથમ ત્રણ બેસ્ટ એકટીવ સ્ટુડન્ટને અનુક્રમે ૧૦૦૦,૭પ૦ અને પ૦૦ રૂ.નો રોકડ પુરસ્કાર અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા. શાળાના ઓ.એસ.શ્રી મીનાક્ષીબેન જે.શેઠનું સંસ્થા તરફથી ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું મોમેન્ટોનું લખાણ શોભનાબેન અને વાંચન અસ્મિતાબેન દ્વારા કરવામા઼ આવ્યું ઉપરોકત પુષ્પાબેન દ્વારા મીનાક્ષીબેન વિશેનો પ્રતિભાવ રજુ કરવામાં આવ્યો આ તકે મીનાક્ષીબેને પણ પોતાના શાળા સંસ્મરણો રજુ કર્યા હતા ત્યાર બાદ બીએડના પ્રાધ્યાપક નિધિબેન અને શાળાના શિક્ષકો મીનાબેનનું પીએચડીની ડીગ્રી મેળવવા બદલ શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. મુખ્ય વકતા દિલીપભાઇ મહેતા દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી. જેમાં તેમણે વિદ્યાર્થીઓને વિવેક, નમ્રતા, શિસ્ત, આત્મવિશ્વાસનું મહત્વ, પુસ્તકોને પ્રેમ કરવો જેવી બાબતો વિશે સમજાવ્યું. વિદ્યાર્થીઓની ગર્ભીત મનોશારીરક શકિતને બહાર લાવવા વિશે વાત કરી. સલાહકાર સમીતીના સભ્ય નારણભાઇએ વિદ્યાર્થીઓને શાંત ચિતે દ્રઢ મનોબળથી પરીક્ષા આપવા સમજાવ્યું. સેક્રેટરી સુધાબેને વિદ્યાર્થીઓને કહયું કે સારા સંકલ્પો અમલ માટે મુહુર્તોની રાહ ન જોવાય. મનમાં વિચાર કરી એને એમલમાં મુકવો એ ખુબ મહત્વનું છે. અધ્યક્ષીય ઉદબોધનમાં ધર્મેશભાઇએ પણ બધા વિદ્યાર્થીઓને ખુબ સારા ગુણથી પાસ થવાની શુભેચ્છા આપી. કાર્યક્રમ દરમિયાન ધો.૭ના વિદ્યાર્થીઓ દ્વારા માટી પુકારે... અને આભારવિધિ સ્વરૂપે માઇ ભવાની...એ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી સંચાલન જલ્પાબેન અને હીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

(1:09 pm IST)