Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

પોરબંદરમાં શહીદવીર નાગાર્જુન સિસોદીયાની પુણ્યતિથિએ સાંજે શ્રદ્ધાંજલી સમારોહ

પોરબંદર, તા. ૧૩ : શહીદ વીર નાગાર્જુન સિસોદીયાની આજે ૪૧મી પુણયતિથિએ શ્રદ્ધાંજલી સમારોહ સાંજે ૪-૧પ વાગ્યે એસ.ટી. ડેપો સામે શહીદવીરના સ્મારક સ્થાન ખાતે યોજાઇ રહેલ છે.

સમારોહના પ્રમુખ સ્થાનેથી રાણાવાવ નિર્વાણધામ આશ્રમના પૂ. સ્વામી પરમાત્માનંદજી ઉપસ્થિત રહેશે. સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રામદેવભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી દેવશીભાઇ કરશનભાઇ સિસોદીયા સહિત સમારોહમાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલી પાઠવશે.

શહીદ વીર નાગાર્જુન સિસોદીયા પોરબંદર વિસ્તારના મોઢવાડા ગામના તેજસ્વી યુવાન હતા. દેશપ્રેમની ઉમદા ભાવનાથી પ્રેરાઇને નાની વયે મીલીટરીમાં દાખલ થયા. માત્ર ર૧ વર્ષની ઉંમરે મીલીટરી અકાદમીમાં પોસ્ટ ગ્રેજયુએટ બની થ્રી-ફોર ગુરખા રેજીમેન્ટના સેકન્ડ લેફટનન્ટની કલાસ વનની પદવી પામ્યા અને તુરત જ મોરચા ઉપર નિમાયા હતાં.

પાકિસ્તાન સામેના યુદ્ધમાં જમ્મુ-કાશ્મીરના વ્યુહાત્મક છામ્બના મોરચે ખેલાયેલા ભિષણ યુદ્ધમાં અતિ મહત્વની કામગીરી બજાવી. કાશ્મીર હડપ કરી જવાની પાકિસ્તાનની ફોજની મેલી મુરાદ, બહાદુરીપૂર્વક નિષ્ફળ બનાવી. 'શહીદી' ને વર્યા. પોરબંદર વિસ્તારની પવિત્ર ભૂમિના આ વીર સંતાને ભારતમાતાની આન અને શાન બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી અમર શહીદોની હાર માળામાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરેલુ છે.

તેમની વીરતા આપણા વિસ્તારના યુવાનોમાં દેશપ્રેમની પ્રેરણા આપતી રહે એ હેતુથી પોરબંદર નગરપાલિકાએ એસ.ટી. ડેપો સામે 'અમર શહીદ વીર નાગાર્જુન સિસોદીયા સ્મારક' ની સ્થાપના કરેલી છે તેમજ શહીદ સ્મારકથી એવરગ્રીન સુધીના રોડને શહીદ વીર નાગાર્જુન સિસોદીયા માર્ગ એવું નામાભિધાન કરેલુ છે.

(3:37 pm IST)