Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સુરેન્દ્રનગર - જિલ્લામાં સાડા ચાર મહિનાથી વોન્ટેડ ૨ આરોપીઓની ધરપકડ

વઢવાણ તા. ૧૩ : સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પણ ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

ચોટીલા ખાતે તા. ૧૯.૦૮.૨૦૧૭ ના રોજ ફરિયાદી નિલેશભાઈ કીર્તિભાઈ શાહ વાણિયા ઉવ. ૩૬ રહે. પ્લોટ એરિયા, ચોટીલા કે જેઓ ચોટીલા ખાતે જુના માર્કેટ યાર્ડમાં જયઅંબે ટ્રેડિંગ નામની દુકાનમાં લોખંડનો વેપાર કરે છે, તેઓએ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ દિલીપ પટેલ તથા હિરેન પટેલના વિરુદ્ઘમાં રૂ. ૮,૧૯,૩૦૦/- ની છેતરપીંડી/વિશ્વાસદ્યાતની ફરિયાદ કરવામાં આવેલ હતી. આરોપીએ ફરીયાદી નિલેશભાઈ શાહની દુકાને આવી, પોતાને કન્સ્ટ્રકશન નો ધંધો હોઈ, હાઇવે ઉપર બ્રિજનું કામ ચાલતું હોય, જુદી જુદી સાઈઝના લોખંડના સળિયાની જરૂરિયાત હોવાનું જણાવી, તા. ૧૦.૦૮.૨૦૧૭ થી તા. ૧૨.૦૮.૨૧૦૭ સુધીમાં અલગ અલગ સમયે કુલ ૨૧ ટન લોખંડના સળિયા કિંમત રૂ. ૮,૧૯,૩૦૦/- ના લઇ, માલના રૂપિયા ચૂકવ્યા વિના પોતાની વાસુદેવ ટ્રેડિંગ નામની દુકાન બંધ કરી, નાસી ગયેલ હતા. ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે જે બાબતે વિશ્વાસઘાત/છેતરપિંડી અંગેનો આરોપીઓ ૧. દિલીપ પટેલ અને ૨. હિરેન મહેન્દ્રભાઈ પટેલ રહે. વિરમગામ વિરૂદ્ઘ ગુન્હો નોંધવામાં આવેલ હતો.આ ગુન્હાની તપાસ દરમિયાન ચોટીલા પોલીસ દ્વારા માલ ઉતારવા ગયેલ આઈશર ટેમ્પોના ચાલકની પૂછપરછ આધારે અમદાવાદ તથા ચોટીલા ખાતેથી તમામ ૨૧ ટન લોખંડના સળિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. તપાસ દરમિયાન ચોટીલા પોલીસને માહિતી મળેલ કે, દિલીપ પટેલનું સાચું નામ સુરેશ ઉર્ફે દિલીપ વાલજીભાઈ ઇટાલિયા પટેલ છે અને તે મૂળ બોટાદના ભાભણ ગામનો વતની છે, જયારે હિરેન મહેન્દ્રભાઈ પટેલ ઘણા સમયથી વિરમગામ આવતો નથી. આમ, બંને આરોપીઓ ગુન્હો કર્યા બાદ નાસી ગયેલા અને વોન્ટેડ હતા.આ ગુન્હાના બંને આરોપીઓ ૧. સુરેશકદિલીપ વાલજીભાઈ ઇટાલિયા પટેલ ઉવ. ૪૦ રહે. ભાંભણ તા.જી. બોટાદ તથા ૨. હિરેન મહેન્દ્રભાઈ પટેલ ઉવ. ૨૮ રહે. વિરમગામ હાલ રહે. ૪૦૨, સમુરાઇ કોમ્પ્લેકસ, વટવા, અમદાવાદ તાજેતરમાં રાજકોટ શહેરમાં પકડાતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ ઇન્સ. એચ.એસ.પુરાણી, પો.સ.ઇ. કે.કે. કલોતરા, હે.કો. ઘનશ્યામભાઈ, વસંતભાઈ, ગભરૂભાઈ, સહિતના ચોટીલા પોલીસ ટીમ દ્વારા આરોપીઓનો ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવી, આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે.

આ ગુન્હામાં પકડાયેલ બને આરોપીઓ સુરેશ પટેલ તથા હિરેન પટેલ ગુજરાત રાજયના કોઈપણ શહેર કે ગામમાં વેપારી પેઢી ખોલી, જુદા જુદા વેપારીઓ પાસેથી માલ સામાનની ખરીદી કરી, રૂપિયા આપવાનો વાયદાઓ કરી, પેઢી બંધ કરી રવાના થઇ, વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ગુન્હાની કબુલાત કરેલ છે અને આ સિવાય બીજા કોઈ ગુન્હાઓ નહીં કારેલાની કેફિયત જણાવે છે. પકડાયેલ બને આરોપીઓ વેપારીઓને વિશ્વાસમાં લઇ, છેતરપિંડી આચરી, વેપારીઓને સીસાંમાં ઉતારવાના ગુન્હાઓ આચરવામાં માહિર હોઈ, ગુજરાત રાજયમાં તથા રાજય બહાર ગુન્હાઓ આચારેલાની સંભાવના છે.પકડાયેલ આરોપીની ચોટીલા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરી, આ ગુન્હામાં બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલઙ્ગ છે કે કેમ..? પકડાયેલ આરોપી અન્ય કોઈ પોલીસ સ્ટેશન ખાતે વોન્ટેડ છે કે કેમ..? ગુન્હો આચર્યા બાદ આટલો બધો સમય કયાં કયાં રહેલો..? વિગેરે મુદાઓ સબબ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. કે.કે.કલોતરા, રાઇટર ઘનશ્યામભાઈ, સહિતના સ્ટાફ દ્વારા પૂછપરછ હાથ ધરી, દિન ૫ ના પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. વધુ તપાસ ચુડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આમ, ચોટીલા પોલીસ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત/છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા સાડા ચાર મહિનાથી વોન્ટેડ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

(12:39 pm IST)