Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

એક સગાઇ તૂટી ગઇ અને બીજી નક્કી થયા બાદ મેળ ન પડતાં રોહિત પટેલે જિંદગી તરછોડી દીધી

મોરબીના રામગઢના કારખાનેદાર યુવાને કુવાડવા પાસેના સણોસરામાં આવેલા પોતાના કારખાને ઝેર પી લેતાં મોત નિપજ્યું: કગથરા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૩: મોરબીના રામગઢ ગામે રહેતાં અને કુવાડવા પાસેના સણોસરામાં કારખાનુ ધરાવતાં પટેલ યુવાને પોતાની એક સગાઇ તૂટી જતાં અને બીજી સગાઇ નક્કી થયા બાદ વાત ટલ્લે ચડી જતાં કંટાળી જઇ કારખાનામાં જ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જે પરિવારજનો ખુશીના પ્રસંગની રાહમાં હતાં ત્યાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ રામગઢ રહેતાં રોહિત ભરતભાઇ કગથરા (ઉ.૨૯) નામના પટેલ યુવાને ગઇકાલે સાંજે કુવાડવાના સણોસરામાં વાંકાનેર રોડ પર આવેલા પોતાના સોમનાથ નામના કારખાનામાં ઝેર પી લેતાં સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

હોસ્પિટલમાં ડો. એમ.એન. બહારૂનીએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. વી.પી. આહિર અને રાયધનભાઇ ડાંગર, રાજેશભાઇ સોલંકી સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રોહિત બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. રોહિતની એક સગાઇ થયા બાદ એ સગપણ તુટી ગયું હતું. બાદમાં હાલમાં બીજી સગાઇની વાત નક્કી થઇ હતી. પરંતુ છેલ્લી ઘડીએ આ સગાઇ પણ ન થતાં તે ઉદાસ થઇ ગયો હતો અને આ પગલું ભરી લીધું હતું. યુવાન પુત્રના મોતથી કગથરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:41 am IST)