Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

માળીયામિંયાણાના ખાખરેચી સરકારી દવાખાનુ તબીબ વગરનુઃ ૧૫ ગામના દર્દીઓ હેરાન

માળીયા મિંયાણા તા. ૧૩ : તાલુકા ના ખાખરેચી ગામે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે થી ત્રણ મહીના થયા દવાખાનામાં તબીબ ન હોવાથી દસ થી પંદર જેટલા ગામડાઓના દર્દીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી દર્દીઓ મુશ્કેલી માં મુકાયા છે જેના કારણે દર્દીઓને ના છુટકે ખાનગી દવાખાનાનો સહારો લેવો પડે છે છેલ્લા બે થી ત્રણ મહીના જેટલા સમય થી અહી ફરજ બજાવતા ડો.ભટ્ટીની સાપકડા ખાતે બદલી થતા હાલ ઈન્ચાર્જમાં વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.બી.આર.સોલંકી અઠવાડીયામાં બે થી ત્રણ દિવસ આવતા હોવાથી બાકીના દિવસોમાં દવાખાનુ ભગવાન ભરોસે ચાલી રહ્યુ છે.

આ દવાખાનામાં આજુબાજુના ગામડાઓના દર્દીઓ નિઃશુલ્ક સારવાર અને દવા લેવા આવે છે પણ હવા ખાતો સ્ટાફ ડોકટર સાહેબ નથી તેવો જવાબ આપતા છેલ્લા ત્રણ મહીના થી અનેક દર્દીઓ ધરમ ના ધક્કા ખાઈ રહ્યા ની રાવ ઉઠવા પામી છે હાલ ફાર્માસીસ્ટ દ્રારા દવા આપી દર્દીઓને રવાના કરી દેવા માં આવે છે જે દર્દીઓના જીવન સાથે ચેંડા થઈ રહ્યા ની રાવ ઉઠવા પામી છે ગુજરાત સરકાર ગરીબ અને મધ્યમવર્ગ ના દર્દીઓને આરોગ્યલક્ષી વિવિધ સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા આરોગ્યની અનેક યોજનાઓ અમલી કરે છે તો બીજી તરફ સરકાર હસ્તકની સરકારી હોસ્પિટલોમાં સરકારની યોજનાઓનો લાભ આવી હોસ્પિટલમાં માત્ર કાગળ ઉપર જ રહેતો હોય તેમ ખાખરેચી હોસ્પિટલ માં જોવા મળી રહ્યુ છે આમ ડોકટર ન હોવાથી અનેક દર્દીઓ સારવાર થી વંચિત રહે છે તેમજ સરકારી હોસ્પિટલ ની એમ્બુયલંસ પણ માંદગી ના ખાટલે હોય તેમ બે દિવસ થયા હાઈવે પાસે ખોટકાયેલ હાલત માં પડી છે આમ તાત્કાલિક ડોકટર ની ફાળવણી કરે તેવી લોકમાંગણી ઉઠી છે.

(11:39 am IST)