Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

બાબરાના ગળકોટડીમાં ખાનગી બસે બાઇકને ઉલાળતાં ૧૬ વર્ષના છાત્ર શુભમ્ ડાંગરનું મોતઃ બેને ગંભીર ઇજા

રાજકોટ તા. ૧૩: બાબરાના ગળકોટડી ગામના પાદરમાં ગત સાંજે ખાનગી બસના ચાલકે ત્રણ સવારીવાળા બાઇકને ઉલાળી દેતાં ત્રણ વિદ્યાર્થીઓને ગંભીર ઇજા થતાં બાબરા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. જે પૈકી ૧૬ વર્ષના છાત્રનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ત્રણ ઇજાગ્રસ્તોમાં બે સગા ભાઇઓ હતાં.

જાણવા મળ્યા મુજબ ગળકોટડીમાં રહેતો શુભમ્ મેહુલભાઇ ડાંગર (ઉ.૧૬) તથા તેનો ભાઇ રણબીર મેહુલભાઇ  ડાંગર અને મિત્ર પ્રદિપ લાભુભાઇ ડાંગર (ઉ.૧૯) ગઇકાલે સાંજે શાળાએથી છુટીને બાઇકમાં બેસીને ઘર તરફ જતાં હતાં ગામના પાદરમાં બાઇકને એક ખાનગી બસના ચાલકે ઠોકરે લેતાં ત્રણેય ફંગોળાઇ ગયા હતાં અને ગંભીર ઇજા થઇ હતી. બાબરા સારવાર અપાવી શુભમ્ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને સાથેના તેના ભાઇ રણબીર ડાંગર અને પ્રદિપ ડાંગરને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં સિવિલમાં સારવાર લઇ રહેલા શુભમ્નું મોત નિપજતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.   હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી બાબરા પોલીસને જાણ કરી હતી. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. પીએસઆઇ એસ.આર. વરૂ અને સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતક શુભમ્ અને તેના બે મિત્રો ગેલાણી સ્કૂલના છાત્રો છે. ભાવનગરથી પોરબંદર જઇ રહેલી બિંદીયા ટ્રાવેલ્સની બસની ઠોકરે ચડી ગયા હતાં.

(10:26 am IST)