Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કચ્છ અને તાલાલામાં ભૂકંપના હળવા આંચકા

રાજકોટ તા. ૧૩ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતનાં ગુજરાતનાં અનેક વિસ્તારો ધરતીકંપથી ધ્રૂજી રહ્યા છે. આંચકાની તિવ્રતા ઓછી હોવાનાં કારણે અત્યાર સુધી કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી. પરંતુ ભૂતકાળના વરવા ભૂકંપનાં કારણે ભલે આંચકો ઓછી તીવ્રતાનો હોય પણ લોકોમાં ભય ભયાનક તીવ્રતાની સાથે દોડી આવે છે અને પેસી પણ ગયો છે. ત્યારે ફરી એક વખત ધરતીકંપનાં આંચકાએ લોકોને સફાળા જગાવી દીધા હતા.

વહેલી સવારે સૌરાષ્ટ્ર -કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉમાં ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો છે. વહેલી સવારે ૫.૨૨ કલાકે આંચકો અનુભવાયો હોવાનું સામે આવી રહ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૨ કિ.મી. દૂર નોંધાયું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના તાલાલામાં ૧.૬ની તીવ્રતાનો આંચકો નોંધવામાં આવ્યો છે. અહીં વહેલી સવારે ૫ૅં૫૮ વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યાનું નોંધાયું છે. અહીં આવેલ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી ૧૨ કિ.મી.દૂર હોવાનું સામે આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ન ફકત સૌરાષ્ટ્ર -કચ્છમાં પરંતુ આસામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે ૩.૨૩ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું નોંધવામાં આવ્યું છે. જો કે, કાર્બી આંગલોંગમાં અનુભવાયેલ આ ભૂકંપનાં આંચકોની તીવ્રતા રિકટર સ્કેલ પર ૩.૭ની નોંધવામાં આવી છે.  સૌરાષ્ટ્ર -કચ્છમાં કરતા આસામનાં આંચકાની તીવ્રતા વધુ હોવાથી લોકોમાં વધુ ફફડાય જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આસામ અને આસપાસનાં પ્રદેશોમાં પણ પૂર્વે ભૂકંપે વિનાશ વેરીયો છે ત્યારે આ આચંકાથી લોકોમાં રીતસરનો ડરનો માહોલ જોવામાં આવી રહ્યો છે.

(11:26 am IST)