Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કાલાવડ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરોઃ ખરેડી સહિત ડઝન ગામડાઓના ખેડૂતોની ૧૫મીએ રેલી

સુકા ખેતરોનું ક્રોપ કટીંગ, માલધારીઓને ઘાસચારો, ખેડૂતોના દેવા માફ કરવા પોષણક્ષમ ભાવો આપવા અને પીવાના પાણીની વ્યવસ્થા સહિતના પ્રશ્નો

રાજકોટ, તા. ૧૩ :. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયાકાંઠા સિવાયના તમામ વિસ્તારોના ખેડૂતોની હાલત કફોડી બની છે. મહત્તમ વિસ્તારોમાં શિયાળુ પાકનું વાવેતર થવાનુ નથી. ચોમાસે વાવેલા પાક પણ પાછોતરા વરસાદના અભાવે નિષ્ફળ ગયા છે ત્યારે આવતા દિવસોમાં જગતના તાત માટે સર્જાનારી વિકટ પરિસ્થિતિ વચ્ચે કાલાવડ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. આશરે ૧૨ થી ૧૫ ગામના ખેડૂતોની આગામી ૧૫મી તારીખે રેલી કાલાવડ પહોંચશે.

ધિરાણ માફી, પુરતી વિજળી, ભૂંડનો ત્રાસ, સુકા ખેતરોનું ક્રોપ કટીંગ, માલધારીઓને ઘાસચારો, ખેડૂતોના દેવા માફ, મોંઘવારીને ધ્યાને લઈ ઉત્પાદનના પોષણક્ષમ ભાવો અને પીવાના પાણીની વ્યવસ્થા સહિતના પ્રશ્નોને લઈને ખરેડી ગામના સરપંચ દિપકસિંહ જાડેજા, ગીરધરભાઈ પડાસરા તેમજ આજુબાજુના ભાવાભી ખીજડીયા, મોરીદડ, મેટીયા, ડેરી, ગુંદા, માખાકરોડ, કાળમેઘડા, નાના વડાળા, લામકાગામ, ભગત ખીજડીયા, નગર ખીજડીયા તથા પીપર સહિતના તમામ ગામોના સરપંચોની આગેવાની હેઠળ વિશાળ મહાસંમેલન અને રેલીનુ ખરેડીથી બાઈક રેલી રૂપે કાલાવડ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પોતાના પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કાલાવડના મહેસુલી અધિકારીઓ સમક્ષ કરનાર હોવાનું રેલીની આગેવાની લેનાર દિપકસિંહ જાડેજા અને ગીરધરભાઈ પડાસરાએ લેખીત યાદીમાં જણાવ્યુ છે.

(12:10 pm IST)