Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

જામકંડોરણા પંચાયતની ઓફીસમાં વકીલની ધમાલ : પ્‍લોટ બાબતે ઝઘડો કરી તાલુકા વિકાસ અધિકારીને ઝાપટ મારી

ચરેલ ગામના અનુસુચિત સમાજના લોકોને પ્‍લોટના કબ્‍જા સોંપવા બાબત ચર્ચા કરતી વખતે બનાવઃ અધિકારી ભૂપેન્‍દ્રભાઇ બગથરિયાની જામકંડોરણા પોલીસમાં વકીલ વલ્લભ દેગડા સામે ફરિયાદ

રાજકોટ,તા. ૧૩ : જામકંડોરણા તાલુકા પંચાયતની ઓફીસમાં અનુસુચિત સમાજના આગેવાનો અને સામાજીક ન્‍યાય સમિતિના ચેરમેન સહિતના આગેવાનો સાથે ચરેલ ગામના અનુસુચિત સમાજના લોકોને પ્‍લોટના કબ્‍જા સોંપવા બાબતે ચર્ચા ચાલતી હતી. તે વખતે ઇશ્વરીયા ગામે રહેતા વકીલે આવી ઝઘડો કરી તાલુકા વિકાસ અધિકારીને ઝાપટ મારી ગાળો આપી સનદો ફાડી નાખવાની તેમજ હવે નોકરી કેમ કરે છે' તે હું જોઇ લઇશ' તેમ ધમકી આપતા ફરિફાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઉપલેટાના ગણોદ હાલ જામકંડોરણા રહેતા અને તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ભૂપેન્‍દ્રભાઇ રમણીકલાલભાઇ બગથરિયા (ઉવ. ૫૪)એ જામકંડોરણા પોલીસે મથકમાં ઇશ્વરીયા ગામમાં રહેતા વકીલ વલ્લભ ગોવિંદભાઇ દેગડા સામે ફરિયાદ નોંધાવી છે. ભૂપેન્‍દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે જામકંડોરણામાં છેલ્લા સાત મહિનાથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે પોતે ધોરાજી ખાતે નગરપાલીકાના કોમ્‍યુનીટી હોલમાં વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમમાંથી આવીને પોતે જામકંડોરણા તાલુકા પંચાયતની કચેરી ખાતે પોતાની ઓફીસમાં બેઠા હતા તે વખત અનુસુચિત સમાજન આગેવાનો જેન્‍તીભાઇ ચુડાસમા, બાલાભા બગડા, સામાજીક ન્‍યાય સમિતિના ચેરમેન અમિતભાઇ બગડા, દેવદાનભાઇ મુછડીયા, ચંદુભાઇ મકવાણા, વસંતભાઇ સોલંકી અને જયભાઇ બગડા સાથે સરકાર દ્વારા ચરેલ ગામના અનુસુચિત સમાજના લોકોને જામકંડોરણા ખાતે પ્‍લોટના કબ્‍જા બપોર પછી સોંપવાના હોય જે બાબતે ચર્ચા કરતા હતા. તે દરમ્‍યાન બપોર પછી એક વ્‍યકિત પોતાની ઓફીસમાં આવેલ અને જામકંડોરણા તાલુકાના સામાજીક ન્‍યાય સમિતિના ચેરમેન અમિતભાઇ બગડાને કહેલ કે, ‘હાલ ઉભો થા' તેમ કહી તે વ્‍યકિતએ પોતાને કાંઇ કહ્યા વગર એક ઝાપટ મારી દીધી હતી જેથી પોતે તેને કહેલ કે, ‘એ ભાઇ કોણ છો તમે અને મને ઝાપટ કેમ મારી' જેથી ત્‍યાં હાજર બધાએ જણાવેલ કે આ વલ્લભ ગોવિંદભાઇ દેગડા વકીલ છે. તે ઇશ્વરીયા ગામે રહે છે' તેમ કહેતા તે પોતાને ઇંગ્‍લીશમાં કહેવા લાગેલ કે ડોન્‍ટ ટાચમી તેમ મારા મિત્ર છો એટલે મે તેને કહેલ કે ‘હું તમારો મિત્ર નથી, હું જામકંડોરણા તાલુકાનો વિકાસ અધિકારી છું' તેમ કહેતા કહેલ ‘અધિકાર હોય, તો શું થયું તુ મારૂં શું બગાડી લેવાનો છે.' અને આ ચરેલ ગામના અનુસુચિત સમાજના પ્‍લોટ સોંપવાના છે તેની સનદો ફાડી નાખ તેને કોઇને પ્‍લોટ દેવાના નથી.' તેમ કહી પોતાને ગાળો આપતા લાગેલ. જેથી પોતે તેને ગાળો દેવાની ના પાડતા આ વલ્લભ દેગડા એકદમ ઉશ્‍કેરાઇ જઇ પોતાને કહેલ કે ‘હવે તુ કેમ નોકરી કરે છે તે હું જોઇ લઉ છું'તેમ કહી પોતાનો સાથે અસભ્‍ય વર્તન કરી જેમ ફાવે તેમ બોલવા લાગેલ. જેથી આ વલ્લભ દેગડાએ પોતાની ફરજ બજાવતા અટકાવવાના ઇરાદાથી પોતાને ઝાપટ મારી લીધી હોય, અને ગાળો દઇ,સનદો ફાડી નાખવાની ધમકી આપી હોય, જેથી પોતે પોતાની કચેરીમાં ફરજ બજાવતા મયુરભાઇ વાઢેર, રાયસીંગભાઇ ચૌધરી, સુરેન્‍દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ મણવર, હેંમતભાઇ વીઝુંડા, કશ્‍યપભાઇ અગ્રાવત, નીરવભાઇ રાંક, ઋષિરાજસિંહ તથા દિનેશભાઇ કલોતરા સાથે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે જામકંડોરણાના ઇશ્વરીયા ગામના વલ્લભ ગોવિંદભાઇ દેગડા સામે આઇ.પી.સી. ૩૩૨,૫૦૪,૫૦૬ (૧)ની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ આર.એલ.ગોયલે તપાસ હાથ ધરી છે.

(12:41 pm IST)