Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

જામનગર તાલુકાના બેરાજા - બારાડી વિસ્‍તારમાં ૮ કલાક વીજળી આપવા ખેડૂતોની માંગણી

ધ્રોલ વીજ કચેરી ખાતે ખેડુતો ઉમટી પડીને પુરતી વીજળી આપવા આવેદનપત્ર : છેલ્લા પાંચ વર્ષથી ખેડુતોને મુંઝવતો આ પ્રશ્ન : આ વર્ષે મોલ સુકાઈ રહ્યો હોવાથી જગતનો તાત લાચાર થઈને વીજ કચેરીના અધિકારીઓને આજીજી કરવા દોડી ગયા

ધ્રોલ તા. ૧૩ : જામનગર તાલુકાના ગામોમાં ચાલુ સિઝનમાં પુરતા પ્રમાણમાં વીજળી ન મળવાથી ખેતીના પાકને નુકશાન થઈ રહયુ હોવાના લીધે ખેડુતો પરેશાન થઈને આ વર્ષે પણ ધ્રોલ વીજ કચેરીના ઈજનરોને આવેદનપત્ર આપીને પુરતા પ્રમાણમાં વીજળી આપવા માટે માંગણી કરી છે.

જામનગર તાલુકાના બેરાજા, બારાડી, રામપર, વાધા ગામ અને વાવડી સહીતના ગામો ખીરી એસ.એસ. હેઠળ આવતા હોય અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પુરતા કલાકો સુધી વીજળી ન મળવાથી આ ગામના ખેડુતો અને આગેવાનો ધ્રોલ પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે દોડી આવીને પુરતી ૮ કલાક વીજળી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવેલ છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્‍યુ છે કે, જામનગર તાલુકાના ખીરી ગામે એસ.એસ. બનાવવામાં આવેલ છે જેમા બેરાજા, વાવડી, રામપર, વાધા ગામ અને વાવડી ગામના ૭૦૦ વધુ ખેડુતોના કનેકશન આવેલ છે અને આશરે ૩ હજાર હેકટર જેવી જમીનમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવેલ હોય ત્‍યારે ચાલુ સિઝનમાં સિંચાઈ માટે ૮ કલાક વીજળી મળતી નથી માત્ર ૨ કલાક વીજળી મળવાથી પાક સુકાઈ રહયો છે

ત્‍યારે પુરતા પ્રમાણમાં વીજળી ન મળવાથી હાલમાં ખેડૂતોના પાકને નુકશાની વેઠવી પડી રહી છે અને વીજળીના અભાવે ફરીથી ખેડુતો ડીઝન યુગમાં જઈને ડીઝલ એન્‍જીન ચલાવવા માટે મજબુર બનીને મોધવારીમાં ડીઝન ખરીદી કરીને પોતાનો પાક બચાવવા માટે મથામણ કરી રહયા છે ત્‍યારે છેલ્લા પાંચ વર્ષથી ઓછી વીજળી મળતી હોય દર વર્ષે પી.જી.વી.સી.એલ.ને આવેદનપત્ર આપવામાં આવે છે

આમ જામનગર તાલુકામાં ખેતીવાડીમાં પુરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગણી સાથે રામ૫૨ ગામના સરપંચ રાહુલભાઈ જાટીયા, બારાડી ગામના સરપંચ વિજયભાઈ જાટીયા, બેરાજા ગામના ખેડુત આગેવાન વરંજાગભાઈ ખીમાણીયા, કાળુભાઈ સોનેરા વગેરે સહીત મોટી સંખ્‍યામાં ધ્રોલ પી.જી.વી.સી.એલ.ની ગ્રામ્‍ય કચેરી ખાતે લેખીતમાં આવેદનત્ર આપીને ૮ કલાક વીજળી આપવાની માંગણી કરી છે. (તસ્‍વીર-અહેવાલ : સંજય ડાંગર, ધ્રોલ)

(12:27 pm IST)