Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જુનાગઢના ઉદ્યોગપતિના અપહરણ-ખંડણીનો કારસો સગીરે 'ક્રાઇમ પેટ્રોલ' જોઇને રચ્યો'તો

સગીર આરોપી રાજકોટ કસ્ટડીમાં, મહિલા જેલ હવાલે અન્ય બે શખ્સો રીમાન્ડ પર

(વિનુ જોષી) જુનાગઢ તા.૧૩: જૂનાગઢના ઉદ્યોગપતિ જીતેનભાઇ સંધાણીનાં અપહરણ-ખંડણીનો કારસો ગીર આરોપીએ 'ક્રાઇમ પેટ્રોલ' સિરીયલ જોઇને રચ્યો હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં ધોરાજી રોડ ખાતે સોડામેકર બનાવવાનું કારખાનુ ધરાવતા અને રાયજીબાગ વિસ્તારમાં રહેતા લોહાણા જીતેનભાઇ જયંતિભાિ સંધાણીનું બુધવારે સાંજે તેમની કારની લૂંટ ચલાવી ધોરાજી ચોકડી પાસેથી ત્રણ શખ્સો અપહરણ કરી ગયા હતા.

આ અંગેની જાણ થતાં ઇન્ચાર્જ એસપી રિવ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ.આર.કે.ગોહિલ, એસઓજીના જે.એમ.વાળા, તાલુકા પીએસઆઇ જે.પી.ગોંસાઇ વગેરેએ નાકાબંધી કરી હતી.

દરમ્યાન દ્વારકા નજીકની હર્ષદ ચેકપોસ્ટ પાસેથી પોલીસે ઉદ્યોગપતિ સાથેની કાર પકડી પાડી હતી.

જીતેન સંધાણીના અપહરણમાં પોલીસે જુનાગઢના દોલતપરાનો ભરત દેવાભાઇ કુછડીયા, તથા તેની પત્ની રેખા તેમજ રાજન રામભાઇ ગોરાણીયા અને જૂનાગઢના ગાંધીગ્રામનો ૧૭ વર્ષનો સગીરની ધરપકડ કરી હતી.

આ શખ્સોએ અપહરણ બાદ રૂ.૫.૫૦ લાખની ખંડણીની માંગણી કરી હતી. તેમજ પોરબંદર થઇ દ્વારકા જતાં ૧૫૦ની સ્પીડે કાર હંકારીને જીતેનભાઇને ચાલુ કારે ફેંકી દેવાની ધમકી પણ આપી હતી.

તપાસનીશ તાલુકા પી.એસ.આઇ. જયદેવ ગોંસાઇએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, રાત્રે ચારેયને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.

જેમાં ન્યાયમૂર્તિશ્રીએ ભરત કુછડીયા અને રાજન ગોરાણીયાના આજે સાંજે સુધીનાં રીમાન્ડ મંજુર કર્યા હતા. જયારે રેખાને જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવી હતી અને સગીર આરોપીને રાજકોટ કસ્ટડીના હવાલે કરાયો હતો. પી.એસ.આઇ. શ્રી ગોંસાઇએ વધુમાં જણાવેલ કે સગીર આરોપીના પિતા જીતેનભાઇના કારખાનામાં નોકરી કરતા હતા ત્યારે પૈસાની લેતી દેતી અંગે વાંધો પડેલ જેનો બદલો લેવો સગીરે ક્રાઇમ પેટ્રોલ સિરીયલ નિહાળી જીતેન સંધાણીના અપહરણ ખંડણીનો કારસો રચ્યો હોવાનું જણાવ્યુ હતુ.

(3:51 pm IST)