Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

હજુ ર૭મીથી હાથીયા નક્ષત્રમાં બપોર બાદ અને નોરતામાં પણ વરસાદ થશે

વર્ષાવિજ્ઞાન મંડળના સભ્ય રમણીક વામજાની આગાહી

જુનાગઢ, તા. ૧૩:હજુ તા. ર૭ થી હાથીયા નક્ષત્રમાં બપોર બાદ અને નોરતામાં પણ વરસાદ વરસવાની આગાહી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીકભાઇ વામજાએ કરી છે.

સોરઠ સહિતનાં વિસ્તારોમાં ગઇકાલે બપોર બાદથી મેઘરાજાએ એકંદરે વિરામ રાખ્યો છે.

સચોટ આગાહીકાર રમણીકભાઇ વામજાએ તા. ૧૦-૯ થી ૧૪-૯ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. જે અક્ષરસઃ સાચી પડ્યા બાદ હવે તેઓએ તા. ર૭-૯ થી તા. ૩૦-૯ દરમિયાન હાથીયા નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી કરી છે.

શ્રી વામજાએ જણાવેલ કે હાથીયા નક્ષત્રમાં અમરેલી, ગોંડલ વિસ્તારમાં બપોર પછી મેઘરાજા મંડાણ કરશે.

૧૬આની વરસ થશે અને ચોમાસુ ૧૦૦ ટકા રહેશે તેમ જણાવીને શ્રી વામજાએ વધુમાં જણાવેલ કે, તા. ૮ ઓકટોબરથી ૧૦ ઓકટોબર દરમિયાન પણ હાથીયા નક્ષત્રમાં બપોર પછી મેઘ મહેર થશે.

માતાજીના નવલા નોરતામાં પણ મેઘરાજા પધરામણી કરશે. તેવી આગાહી કરતા શ્રી વામજાએ સૌરાષ્ટ્રના ૬૦ ડેમ ઓવરફલો થશે તેમ પણ જણાવેલ છે.

(1:07 pm IST)