Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

કાલે ઉમિયા માતાજીનો ૧૨૧મો પ્રાગટ્ય દિન : સિદસરમાં ૧૧ કુંડી મહાયજ્ઞ

પદયાત્રિકોનું સ્વાગત : મા ઉમિયાની મહાઆરતી - મહાપ્રસાદ સાથે સમાજના વિકાસ માટે ચર્ચા બેઠક : ઉછામણીના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરાનું સન્માન : સેંકડો ભાવિકો દર્શનનો લાભ લેશે

રાજકોટ તા.૧૩ : કડવા પાટીદાર સમાજની આસ્થા અને ભકિતના કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિર સિદસરમાં આવતીકાલે તા.૧૪ના શનિવારે ભાદરવી પુનમે કુળદેવી શ્રી ઉમિયા માતાજીના ૧ર૧માં પ્રાગટય દિન નિમિતે ૧૧ કુડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહાયજ્ઞમાં ભાગ લેવા સૌરાષ્ટ્રના વિવિધ શહેરો માંથી ૩૦ જેટલા પદયાત્રીકોનો સંઘ ભાદરવી પુનમના રોજ સિદસર પહોંચશે. આશરે ૩૦ થી ૩પ હજાર ભાવિકો માતાજીના દર્શન, મહાઆરતી તેમજ મહાયજ્ઞનો લ્હાવો લેશે.

ઉમિયાધામ સિદસર ખાતે હર વર્ષની માફક આ વર્ષે પણ મા ઉમિયાના ૧૨૧માં પ્રાગટય દિન નિમિતે તા. ૧૪ના રોજ ૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહાયજ્ઞમાં ભાગ લેવા રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, જામજોધપુર, પાનેલી સહીતના વિવિધ શહેરો તેમજ તાલુકાઓમાંથી ૩૦ જેટલા પદયાત્રીકોનો સંઘ સિદસર ભણી પ્રસ્થાન કરી ચુકયો છે. આશરે ૩૦ થી ૩૫ હજાર પદયાત્રીકો, ભાવિકો સહીત ભાદરવી પુનમે સિદસર પહોચશે અને માતાજીના દર્શનનો લ્હાવો લેશે.

સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી પદયાત્રીક પરિવાર દ્વારા આયોજીત પદયાત્રાળુનો સંઘ મા ઉમિયાના જય ઘોષ સાથે સંપુર્ણ ભકિતમય વાતાવરણમાં આ પદયાત્રા પૂર્ણ કરી ભાદરવી પૂનમે સિદસર પહોંચશે. રાજકોટથી ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પદયાત્રીકોનો સંઘ ગત ૧૧મીના બુધવારના રોજ સિદસર ભણી પ્રસ્થાન કરી ચુકયો છે. જે શાપર, રીબડા, દાળેશ્વર, કોલીથડ, ગરનાળા, ત્રાકુડા, ઉમરાળી, ધોળીધાર, જામકંડોરણા, જશાપર, ખજુરડા, જાબટીંબડી, સાજડીયાળી, અરણી, ભાયાવદર, ખારચીયા, પોનેલી થઇ સિદસર પહોચશે. જયા સિદસર મંદિર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ઉંઝાના પ્રમુખ મણીભાઇ પટેલ તેમજ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ટ્રસ્ટી ચિમનભાઇ શાપરીયા, મંત્રી જયેશભાઇ પટેલ, શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના ટ્રસ્ટીઓ, હોદેદારો, સમાજના ભામાશાઓ, સમાજશ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્થિત રહેશે. આગામી ડીસેમ્બરમાં ઉંઝા મંદિર આયોજીત લક્ષચંડી મહાયજ્ઞની ઉછામણીના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરાનું સન્માન કરવામાં આવશે.

આવતીકાલે માતાજીની મહાઆરતી, મહાપ્રસાદ, ૧૧ કુંડી મહાયજ્ઞની સાથોસાથ પાટીદાર સમાજના વિકાસ માટે એક વિશેષ 'ચર્ચા બેઠક' નું આયોજન પણ કરવામાં આવ્યુ છે. તેમ સિદસર મંદિરના મીડીયા કન્વીનર રજનીભાઇ ગોલની એક યાદીમાં જણાવાયુ છે.

શનિવારથી શ્રાધ્ધનો પ્રારંભ

૧) પૂનમ તથા એકમનું શ્રાધ્ધ તા.૧૪ શનિવારે ભાદરવા સુદ પૂનમના દિવસે

ર) બીજનું શ્રાધ્ધ તા.૧૫ રવિવારે ભાદરવા વદ એકમના દિવસે

૩) ત્રીજનું શ્રાધ્ધ તા.૧૭ ને મંગળવારે ભાદરવા વદ ત્રીજના દિવસે

૪) ચોથનું શ્રાધ્ધ તા. ૧૮ને બુધવારે ભાદરવા વદ ચોથના દિવસે

૫) પાંચમનું શ્રાધ્ધ તા. ૧૯ને ગુરૂવારે ભાદરવા વદ પાંચમના દિવસે

૬) છઠ્ઠનું શ્રાધ્ધ તા.૨૦ને શુક્રવારે ભાદરવા વદ છઠ્ઠને દિવસે

૭) સાતમનું શ્રાધ્ધ તા.૨૧ને શનિવારે ભાદરવા વદ સાતમના દિવસે

૮) આઠમનું શ્રાધ્ધ તા.રરને રવિવારે ભાદરવા વદ આઠમના દિવસે

૯) નોમનું શ્રાધ્ધ તા.૨૩ને સોમવારે ભાદરવા વદ નોમના દિવસે

૧૦) દશમનું શ્રાધ્ધ તા.૨૪ને મંગળવારે ભાદરવા વદ દશમના દિવસે

૧૧) અગિયારસ તથા બારસનું શ્રાધ્ધ તા.રપ ને બુધવારે ભાદરવા વદ અગિયારસના દિવસે સાથે બાળાભોળા તથા સન્યાસીનું શ્રાધ્ધ

૧૨) તેરસનું શ્રાધ્ધ તા. ૨૬ને ગુરૂવારે ભાદરવા વદ બારસના દિવસે

૧૩) ચૌદશનું શ્રાધ્ધ તા.૨૭ ને શુક્રવારે ભાદરવા વદ તેરસના દિવસે

૧૪) અમાસનું શ્રાધ્ધ તા. ૨૮ને શનિવારે ભાદરવા વદ અમાસના દિવસે સર્વપિતૃ અમાસ

૧૫) માતામહ શ્રાધ્ધ તા. ૨૯ને રવિવારે આસોસુદ એકમના દિવસે.

શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)  મો.૯૯૨૫૬ ૧૧૯૭૭

(11:50 am IST)