Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ધોરાજીના તમામ રૂપકડા માર્ગોની ચોમાસામાં કોન્ટ્રાકટરોની પોલ ખુલી

ગંદકી, ડહોળા પાણી બાદ હવે રોડ રસ્તાની સ્થિતિ બગડી..

ધોરાજીતા.૧૩:  શહેર જાણે વિકાસના નકશાની બહાર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરની હાલત રામ ભરોસે હોય તેવો તાલ ઘડાયો છે.

    ધોરાજી શહેરમાં ઠેરઠેર ગંદકી, કચરાના ઢગલા,ડહોળા પાણી, રખડતા ઢોરની સમસ્યા બાદ હવે ધોરાજી ના રૂપકડા રસ્તાની પોલ ચોમાસામાં ખુલી જવા પામી છે.

    ધોરાજી માં ભૂગર્ભ ગટરના કામો ચાલતા તે સમયે ધોરાજી ના નગરજનો એ ત્રણ ત્રણ વર્ષ સુધી ભયંકર યાતના વેઠી હતી. અને ત્યારબાદ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી. વર્ષો બાદ માંડ માંડ ધોરાજી ના રોડ રસ્તા ડામરથી મઢાયા ત્યાં આ ચોમાસામાં ફરી ડામર ધોવાઈ જવા પામ્યા છે. અને કરામાતી કોન્ટ્રાકટરોની કરામત લોકોની સામે ખુલ્લી પડી છે.

    ધોરાજી ના નગરજનો પહેલેથી જ ડહોણું પાણી,ગંદકી,કચરો, રખડતા ઢોરની સમસ્યા વેઠી રહ્યાં છે જેમાં રોડ રસ્તાની કફોડી હાલતે લોકોની મુશ્કેલીમાં ઉમેરો કર્યો છે.ધોરાજી શહેરની જનતાનું આરોગ્ય કે સુખાકારી, કે અન્ય કોઈ સુવિધા મળવી તો દુરની વાત રહી પ્રજાજનોની આવશ્યક અને સામાન્ય સુવિધાઓ આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે. ધણી ધોરી વિનાનું શહેર હોય તે પ્રકારે કોઈ પણ નેતાના પેટનું પાણી હલતું નથી. જે અત્યંત શરમનાક બાબત ગણી શકાય.રાજકીય નેતા ચાહે કોઈપણ પક્ષના હોય પ્રજા તેમની પાસેથી સુવિધાઓ અને સગવડો ની અપેક્ષા રાખે તો ગેર વ્યાજબી નથી. પરંતુ સરકારી બાબુઓ અને નેતાગણ તેમની ફરજો ચુકી જાય તે ઉચિત ન ગણાય.

    નબળા રોડ રસ્તા પાછળ જવાબદાર કોન્ટ્રાકટરો સામે પગલાં ભરી ફરી સમારકામ હાથ ધરાઈ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

(11:39 am IST)