Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

સર્કસ, કઠપૂતળી, ભવાઇ, જાદુ સહિતની લુપ્ત થતી જતી કલા

જો પ્રોત્સાહન નહીં મળે તો આવનારી પેઢી કલાથી વંચિત રહેશે : જાદુગર યુવરાજ ચુડાસમાનો વસવસો

ભાવનગર તા.૧૩: આધુનિક મનોરંજનના સાધનોના આક્રમણ વચ્ચે સર્કલ, કઠપૂતળી, ભવાઇ, જાદુ સહિતની કલાઓ લુપ્ત થતી જઇ રહ્યાનો વસવસો યુવા જાદુગર યુવરાજ ચુડાસમાએ વ્યકત કર્યો હતો.

યુવરાજ ચુડાસમાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ પેઢીથી તેમનો પરિવાર આ જાદુની કલાને વરેલો છે અને તેઓએ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં આ કલાની પ્રસ્તુતિ કરી તેને જીવંત રાખી છે. જાદુની આ કલાના માધ્યમથી તેઓએ અંધશ્રદ્ધા નિવારણ, સમાજ શિક્ષણ, બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત મિશન, વૃક્ષ વાવો વરસાદ લાવો જેવા સંદેશ સમાજમાં પ્રસરાવી જનજાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા છે. જાદુના અવનવા પ્રયોગો રજૂ કરીને જાદુગરો પોતાની તેમજ પરિવારની રોજી-રોટી કમાય છે. એટલું જ નહીં, માત્ર પોતાનું કે પોતાના પરિવારોનું જ નહીં પરંતુ તેની સાથેસાથે ૫૦ થી વધુ સ્ટાફ મેમ્બર તેમજ તેઓના પરિવારનું ગુજરાન પણ આ વ્યવસાય પર ચાલે છે.

જાદુની કલા પ્રાચીન કાળથી ચાલી આવતી કલા છે. આ કલાઓ ભારતમાં જ જન્મી છે અને વિકસી છે. દેશની ઓળખ બની રહી છે. અહીંથી જ વિદેશમાં પહોંચી છે. શુદ્ધ મનોરંજન સાથે સાત્વિક અને સામાજિક સંદેશ આપતા નાટક. સર્કસ, કઠપૂતળી, મલાઇ, ભવાઇ, વેશ જેવી ભારતની કલાઓ લુપ્ત થતી જાય છે હાલના સંજોગોમાં આધુનિક યુગમાં ટી.વી., ઇન્ટરનેટ, મોબાઇલના આવિષ્કારના પરિણામે જે રીતે પીડિત દર્દી રોગની વેદના સહન કરે છે તેવી જ પીડા હાલ આ કલા સાથે જોડાયેલા કલાકારો સહન કરી રહ્યા છે. આ સંજોગોમાં આ કલાને પ્રોત્સાહનની આવશ્યકતા છે. કલા માટે ગ્રાઉન્ડની ફાળવણી તથા પી.જી.વી.સી.એલ.દ્વારા અપાતા વીજ પૂરવઠા સહિતની બાબતો અંગે જો સરકાર દ્વારા રાહત આપવામાં આવે તો કલા જીવંત રહી શકે તેમ છે. જો આ પવિત્ર કલા લુપ્ત થઇ જશે તો એક ઇતિહાસ બનીને રહી જશે. એટલું જ નહીં, આવનારી પેઢી આ પવિત્ર કલાથી વંચિત થઇ જશે. આથી સરકાર દ્વારા યોગ્ય પ્રોત્સાહક વલણ અપનાવવામાં આવે તેવી માગણી જાદુગર યુવરાજ ચુડાસમાએ કરી છે.

(11:35 am IST)