Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ભાવનગરમાં ધોવાયેલા રસ્તાના પ્રશ્ને કોંગ્રેસીઓ મેદાનમાં : રોડ ઉપર બેસી જઇ કચેરીમાં સુત્રોચ્ચાર

ભાવનગર તા ૧૩  : ભાવનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ મોટાભાગના રોડનું આ વર્ષે પડેલા સારા વરસાદના પગલે ધોવાણ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહયા છે, શહેરના રોડના પ્રશ્ને આખરે કોંગ્રેસ પક્ષ મેદાનમાં આવ્યો છે  અને મહાનગરપાલીકા કચેરી સમક્ષ દેખાવો કરી કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભાવનગર  શહેર કોંગ્રેસ દ્વારા રોડ-રસ્તાના પ્રશ્નને લઇને મહાનગરપાલિકા કચેરી સમક્ષ ખાડા યજ્ઞ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા. જોકે કોંગ્રેસના આ કાર્યક્રમને લઇને પોલીસતંત્ર દ્વારા અટકાયતી પગલા ભરવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું અને આગેવાનો તથા કાર્યકરોની નાસભાગ વચ્ચે પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. આમ છતાં કોંગ્રેસના કાર્યકરોએ રોડ પર બેસી જઇને તેમજ કચેરીમાં ઘુસી જઇને સત્રોચ્ચાર કર્યા હતા.

પોલીસ કાર્યવાહી છતાં મહાનગરપાલીકા કચેરીમાં ઘુસી જવામાં સફળ થયેલા આગેવાનોએ કમિશ્નર એન.એ. ગાંધીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણીઙ્ગઙ્ગ, પૂર્વ પ્રમુખ ડો. રાણિંગા, નગર સેવક ભરતભાઇ બુધેલીયા, પારૂલબેન ત્રિવેદી સહીતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(11:33 am IST)