Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

કચ્છ ભાજપ દ્વારા પાકિસ્તાની યુવકને ભાજપની સદસ્યતા અપાઇ?

નખત્રાણા તાલુકા સંગઠનના સદસ્યતા અભિયાન દરમિયાન સભ્ય બનાવાતા ભારે ચર્ચાઃ સંગઠન પર્વના ઇન્ચાર્જ મહેશ્વરીનો સ્પષ્ટ ઇન્કારઃ કહ્યું કે કોઇ બીજાનું ફોર્મ ભરવા આવ્યા હશે!

ભુજ, તા.૧૩:  ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સદસ્યતા નોંધણી અભિયાન શરૂ છે અને વધુને વધુ સભ્યો બને તે માટે પ્રયાસો કરવા સતત ઉપરથી સૂચના પણ અપાય છે. તો, સ્થાનિક જિલ્લા સ્તરે આ માટે તાલુકા સંગઠન ઉપર પણ વધુને વધુ સભ્યો બનાવવા દબાણ કરાય છે અત્યારે ભાજપમા સભ્ય બનાવવાનું કામ આખરી તબકામાં ચાલુ છે.

તેવામાં કચ્છ ભાજપ દ્વારા પાકિસ્તાની નાગરિકને ભાજપના સદસ્ય બનાવી દેવાયો હોવાની એક વિવાદાસ્પદ ઘટના ચર્ચામાં આવી છે. ભાજપના નખત્રાણા તાલુકા સંગઠન મધ્યે બનેલ આ બનાવે અત્યારે તો કચ્છના રાજકીય વર્તુળમાં ચર્ચા સાથે ચકચાર સર્જી છે. ચર્ચાતી હકીકતો મુજબ કચ્છને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા મીઠી જીલ્લાનાં ગામમાં રહેતો જયસિંહ ઉર્ફે ભમરસિંહ સવાઇસિંહ મેર છેલ્લા ચારેક વર્ષથી કચ્છનાં નખત્રાણામાં લોન્ગ ટર્મ વિઝા(એલટીવી) હેઠળ રહે છે.

મીઠી જિલ્લા અને તાલુકાના નાથળો ગામના આ શખ્સનો જે ફોટો વાયરલ થયો છે તેમાં તે ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ આપતો જોવા મળે છે. જેમા તાલુકા પ્રમુખ સહીત મંત્રી અને સંગઠન પર્વના ઈનચાર્જ નજરે પડી રહ્યા છે. મૂળ પાકિસ્તાની એવા આ શખ્સના આ વાયરલ થયેલા ફોટા અંગે જયારે સંગઠન પર્વના ઈનચાર્જ શામતભાઈ મહેશ્વરીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે આવી કોઈ દ્યટના અંગે સાફ ના પાડી દીધી હતી. જોકે, તેમણે એવો ખુલાસો કર્યો હતો કે, કદાચ તે પાકિસ્તાની યુવાન અન્ય કોઈ વ્યકિતનું ફોર્મ આપવા આવ્યો હશે.

પણ, ભાજપના જ સૂત્રોમાં થઈ રહેલ રાજકીય ચર્ચા માનીએ તો સભ્ય બનવા અંગેની તે પાકિસ્તાની યુવાનની ભાજપના સદસ્ય માટેની ૩૦૦ રૂપિયાની સ્લીપ પણ ફાટી ગઇ છે. પરંતું જયારે આ યુવાન પાકિસ્તાનનો છે તેવું ઘ્યાનમાં આવતા ભાજપનાં અગ્રણીઓ દ્વારા આ વાતને દબાવી દેવાનો પ્રયાસ કરી રહયા છે. દરમ્યાન જે પાકિસ્તાની યુવાને આ ફોર્મ ભર્યું છે તેનો પણ ફોન સતત બંધ આવતા તેનુ મંતવ્ય જાણી શકાયું નહતુ.ઙ્ગ

ખરેખર આ બનાવમાં કયાં કાચું કપાયું છે તે તો કચ્છ જિલ્લા ભાજપ અથવા તો પ્રદેશ ભાજપ તપાસ કરશે ત્યારે સાચી હકીકત સામે આવશે.

(11:06 am IST)