Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

મોરબીમાં કોલગેસ દ્વારા પ્રદુષણ ફેલાવનાર ૬૦૮ એકમોને કરોડોના દંડ ફટકારાવાનું શરુ

કોલેગેસ વપરાશ કરવા સમયે ફેલાવ્યું હતું બેફામ પ્રદુષણ

મોરબી,તા.૧૩: મોરબીથી છેક વાંકાનેર સુધી વિસ્તરેલ સિરામિક ઉધોગમાં વપરાતા કોલગેસને પગલે વ્યાપક પ્રદુષણ ફેલાયું હોય જે અંગે હાઈકોર્ટના નિવૃત જજના અધ્યક્ષતા હેઠળની કમિટીએ કરેલ સર્વેમાં પ્રદુષણનો ખુલાસો થયા બાદ જે તે સમય દરમિયાન ફેલાવેલ પ્રદુષણ અંગે દંડ વસુલવા માટે જીપીસીબીએ કામગીરી શરુ કરી છે અને દંડની રકમ ભરવા માટેની નોટીસો ફટકારવામાં આવી રહી છે

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્લાન્ટથી વ્યાપક પ્રદુષણ ફેલાતું હોય જેને પગલે મામલો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સુધી પહોંચ્યો હતો અને થોડા માસ પૂર્વે એનજીટી દ્વારા કોલગેસ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધા બાદ મોરબીના ૬૦૮ સિરામિક એકમોને જીપીસીબી ઓફીસ દ્વારા નોટીસ પાઠવીને તમામ કોલગેસ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો કોલગેસ પ્રતિબંધ લગાવ્યા બાદ નિવૃત હાઈકોર્ટ જજની અધ્યક્ષતા હેઠળ કમિટી રચવામાં આવી હતી જેમાં હવા, પાણી અને જમીનમાં કોલગેસને પગલે કેટલું પ્રદુષણ ફેલાવવામાં આવ્યું છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો અને કમિટી દ્વારા સિરામિક ઝોનમાં કરેલ સર્વેમાં હવા, પાણી અને જમીનનું વ્યાપક પ્રદુષણ પ્રકાશમાં આવતા ધગધગતો રીપોર્ટ સોપવામાં આવ્યો હતો અને પ્રદુષણ મામલે ગંભીરતાથી નોંધ લઈને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અગાઉ કોલગેસનો વપરાશ કરતા નોંધાયેલા ૬૦૮ સિરામિક એકમોને પ્રતિદિન ૫૦૦૦ રૂપિયા લેખે દંડ ફટકારવાની નોટીસો ફટકારવાનું શરુ કરાયું છે જેથી એક સિરામિક એકમ દીઠ ગણીએ તો રકમ લાખો રૂપિયા સુધી થાય છે અને તમામ એકમોનો સરવાળો કરોડો રૂપિયામાં થશે હાલ તમામ એકમોને ઓનલાઈન નોટીસ ફટકારી દંડની રકમ ૩૦ દિવસમાં ભરવા માટે સુચના આપી દેવામાં આવી છે તેમજ તમામ એકમોને નોટીસની હાર્ડ કોપી પણ આપવાનું શરુ કરી દેવાયું હોવાની માહિતી જીપીસીબી અધિકારી નૈનીશ કાપડિયા પાસેથી પ્રાપ્ત થઇ છે તો જીપીસીબીની લાલ આંખને પગલે સિરામિક એકમોમાં ફફડાટ ફેલાયો છે અને દંડની રકમ ભરવા સિવાય કોઈ છૂટકો પણ ના હોય જેથી ઉદ્યોગ જગતમાં નિરાશા વ્યાપી ગઈ છે.

પ્રદુષણના સ્તરમાં થયો સુધારોઃ જીપીસીબી અધિકારી

એનજીટી દ્વારા કોલગેસ પ્રતિબંધનો ચુકાદો આપ્યા બાદ જીપીસીબી કચેરી મોરબી દ્વારા જીલ્લામાં ચાર પોઈન્ટ પર પ્રદુષણ માપક યંત્રના મેં ૨૦૧૯ થી ઓગસ્ટ ૨૦૧૯ સુધીના રીપોર્ટમાં દ્યણો સુધારો જોવા મળી રહ્યો છે અને પ્રદુષણના સ્તરમાં દ્યટાડા ઉપરાંત વાતાવરણ સુધર્યું હોવાનું પણ જીસીબી અધિકારી જણાવી રહ્યા છે.

અગાઉ કોલગેસ મંજુરી આપ્યા બાદ હવે દંડ કેટલો વ્યાજબી ?

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા અગાઉ ઇંધણ તરીકે કોલગેસના વિકલ્પને સ્વીકાર્યો હતો અને જે તે સમયે ૬૦૦ થી વધુ સિરામિક કંપનીઓએ કોલગેસ માટે મંજુરી મેળવી હતી અને પ્લાન્ટ લગાવ્યો હોય સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી અને કરોડોનું રોકાણ સિરામિક ઉદ્યોગકારોએ કર્યું હતું અને વર્ષો સુધી કોલગેસનો વપરાશ કર્યો છે એટલું જ નહિ પરંતુ એનજીટી કોર્ટના ચુકાદાને પગલે કોલગેસ પ્રતિબંધનો પણ તુરંત અમલ કર્યો હતો જોકે હવે કોલગેસને કારણે પ્રદુષણ ફેલાયું છે અને તેનો દંડ વસુલાય તે કેટલું વ્યાજબી છે તેવી ચર્ચા પણ ઉદ્યોગપતિઓમાં જોવા મળી રહી છે.

(11:41 am IST)