Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

બગદાણાના વાવડી ગામે દીપડાએ હુમલો કરતાં ત્રણ ગોવાળો ઘાયલ : પાંચ ઘેટાંઓનું કર્યું મારણ

સિમ વગડે વસવાટ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો

ભાવનગર જિલ્લાના બગદાણા નજીક વાવડી ગામે વન વિસ્તારમાં માલઢોરને ચારણ કરાવતા એક માલધારી પરિવાર ઉપર દીપડાએ અચાનક હુમલો કરી ત્રણ ગોવળોને ઘાયલ કરી 5 ઘેટાંને મોતને ઘાટ ઉતારી દેતા સિમ વગડે વસવાટ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

 આ અંગે મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના બગદાણા પાસેના વાવડી ગામની સીમમાં આવેલ દડ વિડી વિસ્તારમાં અનેક માલધારી પરિવારો પોતાના પશુઓને લઈને ચોમાસા-શિયાળાની ઋતુના સમાપન સુધી હંગામી ધોરણે પડાવ નાખી વસવાટ કરવામાં આવે છે. જંગલ વિસ્તારમાં પોતાના દુધાળા પશુઓને ચરાવી જીવન નિવૉહ ચલાવતા એક માલધારી રત્ના સોલંકી પોતાના ઘેટાં-બકરા સાથે ભંડારીયાની વીડીમાં આવી કામચલાઉ ઝૂંપડી બાંધી પશુપાલન કરે છે, જેમાં ગત રાત્રે દીપડો ઝોક પાસે આવી ચડયો હતો અને માલધારી પરિવાર કશું સમજે વિચારે એ પહેલા જ એક બાદ એક ઘેટાંઓને નિશાન બનાવતાં હાજર માલધારીઓએ દીપડાનો પ્રતિકાર કરતાં દીપડાએ માલધારીઓ પર હુમલો કર્યો હતો.

   આ હુમલામાં રત્ના સોલંકી, મયા ટોળીયા તથા મેહુલ સોલંકીને ઈજાઓ કરી નાસી છુટ્યો હતો. ઘટનાની જાણ આસપાસ અન્ય ગોવાળોને થતાં તેઓ મદદે દોડી આવ્યાં હતાં. ત્રણેય ઈજાગ્રસ્તોને પ્રથમ બગદાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર બાદ 108 દ્વારા તળાજાથી વધું સારવાર અર્થે ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ પાલિતાણા ફોરેસ્ટ વિભાગને થતાં અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલ તો બનાવને લઈને સિમ વગડે વસવાટ કરતા ખેડૂતો પશુપાલકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

(8:39 pm IST)