Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કચ્છમાં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ''નમો વડ વન''નું લોકાપર્ણ

પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનાર આગેવાન , સંસ્થા તથા વનવિભાગના કર્મયોગીઓનું સન્માન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ :     રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વટેશ્વર વનનું લોકાપર્ણ કરીને ૭૩માં વન મહોત્સવને ખુલ્લો મુકયો હતો. જયારે જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત આજરોજ ભુજ ખાતે કચ્છ યુનિવર્સીટી ખાતે ''નમો વડ વન''નું લોકાર્પણ કરતા વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે કચ્છવાસીઓને મહત્તમ વૃક્ષોનું વાવેતર કરીને કચ્છને વૃક્ષોથી આચ્છાદિત કરીને દુષ્કાળ અને આકરી ગરમીથી બચાવવા અનુરોધ કર્યો હતો.

    કચ્છ વન વર્તુળ- ભુજ દ્વારા આયોજીત જિલ્લાકક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં  વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, વધતા જતા ઔદ્યોગીકરણ અને વસતીના કારણે પર્યાવરણનું સતુંલન કરવું આવશ્યક છે. તે માટે વર્ષ ૧૯૫૦માં કૃષિ અને અન્ન વિભાગના મંત્રીશ્રી કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી. જે બાદ લોકભાગીદારીથી વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જિલ્લા સાથે દરેક તાલુકામાં વનમહોત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરાવી હતી. જેના કારણે આ ઉજવણીમાં મોટીસંખ્યામાં જનભાગીદારી વધી છે. સરપંચ અને આગેવાનોની જાગૃતીના કારણે ગ્રામ્યકક્ષાએ વૃક્ષોનું વાવેતર મોટાપ્રમાણમાં વધ્યું છે. તેમણે કચ્છવાસીઓને દુષ્કાળ અને આકરી ગરમીથી બચવા જિલ્લામાં મોટી સંખ્યામાં વૃક્ષ વાવેતરની અપીલ કરી હતી. આ સાથે વનવિભાગને મહત્તમ જનભાગીદારી કરવા વધુમાં વધુ રોપાઓનું વિતરણ કરવા જણાવ્યું હતું.
    ભુજમાં યુનિવર્સીટી , કિડાણા, પિંગલેશ્વર, શ્યામજીકૃષ્ણ મેમોરીયલ મસ્કા, એમ ચાર સ્થળે નમો વડ વનનું નિમાર્ણ કરાયું હોવાનું જણાવતા વિધાનસભા અધ્યક્ષાશ્રીએ ઉમેર્યું હતું કે,  જિલ્લામાં ઘાસની તંગી ન વર્તાય તે માટે વનવિભાગ દ્વારા ૪૪૦૦ હેકટરમાં ઘાસનું વાવેતર  કરાયું છે. તે જ રીત ૪૬૩૦ એકરમાં ૫૦ લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન છે. આ સાથે સામાજીક વનીકરણ વિભાગ દ્વારા નિ:શુલ્ક રોપાનું વિતરણ કરાશે. તેમણે ખેડુતોને પણ વનવિભાગ હસ્તક ચાલતી યોજનાઓનો લાભ લઇને વૃક્ષોનું વાવેતર કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ૭૫ હજાર વૃક્ષો વાવનાર ભુજ પાલિકાની કામગીરીને પણ બિરદાવી હતી. વધુમાં તેમણે પંચાયતો, સરપંચો તથા આગેવાનોને ગામડાઓને વૃક્ષોથી આચ્છાદિત કરવા આહવાન કર્યું હતું. આ તકે વન વિભાગને તિરંગા અપર્ણ કરીને દરેક કર્મયોગી તથા નાગરીકને તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી ઘરે ઘરે તિરંગો લહેરાવવા અપીલ કરી હતી.
    આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રીશ્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે વનમહોત્સવમાં વધુમાં વધુ લોકો જોડાઇને ઉજવણી કરે તેવી અપીલ સાથે કચ્છમાં આ ચોમાસામાં મહત્તમ વૃક્ષ વાવણીનો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું.  તેમણે વાવતેર કરાતા વૃક્ષોનો યોગ્ય ઉછેર થાય છે કે નહીં તેની સંભાળ માટે સર્વે કરવા તથા જિલ્લાને હરીયાળો બનાવવા લોકો સાથે સંસ્થાઓને પણ સક્રીયપણે જોડવા વનવિભાગને સુચન કર્યું હતું.
     આ પ્રસંગે પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા આગેવાનો, સ્વયંસેવી સંસ્થાઓ તથા વન ખાતાના કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે નિર્ધુમચુલાઓનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કચ્છ યુનિવર્સીટીના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા  રોપા વિતરણ રથને અત્રેથી પ્રસ્થાન કરાવાયો હતો, આ રથ કચ્છમાં ફરીને રોપાઓનું વિતરણ કરશે.  
    આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ રાજયમાં એક સાથે ૭૫ નમો વડ વનનું ઉદધાટન કરાયું હતું. જેમાં ભુજ ખાતે કચ્છ યુનિવર્સીટી ખાતે નિર્માણ પામેલા ''નમો વડ વન''ને વિધાનસભા અધ્યક્ષશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં સુરેન્દ્રનગરના દુધરેજથી રાજયકક્ષાની વન મહોત્સવની ઉજવણી ઉપસ્થિતોએ લાઇવ નિહાળી હતી. જેમાં કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા રાજયકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
        જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજના નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠક્કર, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, કચ્છ યુનિવર્સીટીના કુલપતિશ્રી પ્રો.જયરાજસિંહ જાડેજા, કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી વી.જે.રાણા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, કચ્છ વિસ્તરણ વિન વિભાગ-ભુજના નાયબ વન સંરક્ષક એચ.વી.મકવાણા, કચ્છ પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ગોવિંદસિંહ સરવૈયા, બન્ની વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી બી.એમ.પટેલ, યુનિવર્સીટીના રજીસ્ટ્રારશ્રી બી.એમ.બુટાણી, સેનેટ સભ્યશ્રી શ્રવણસિંહ વાઘેલા , કચ્છ વન વર્તુળના પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ, વન વિભાગના કર્મચારીશ્રીઓ, ખેડૂતો તથા મોટી સંખ્યામાં નાગરીકો હાજર રહ્યા હતા.

(10:58 am IST)