Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

લો...અંગ...લો...અંગ...નો સાદ પડતા જ કચ્છના કાળા ડુંગર ઉપર આવેલ દતાત્રેય મંદિરે શિયાળ ભાતનો પ્રસાદ આરોગવા પહોંચી જાય છે : રસપ્રદ કથા

ભુજઃ કચ્છના કાળા ડુંગર આવેલ દતાત્રેય મંદિરમાં આરતી પછી દરરોજ ભાતનો પ્રસાદ આરોગવા માટે મોટી સંખ્યામાં શિયાળના ટોળા ઉમટી પડે છે.

માનવ અને વન્યપ્રાણીઓનાં સહઅસ્તિત્વની આ કહાની રસપ્રદ છે. કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદે આવેલા કાળા ડુંગર પર રોજ મંદિરનો ઘંટ વાગે એટલે શિયાળ (jackals) પ્રસાદ લેવા આવી જાય છે. કહેવાય છે કે, આ પરંપરા અંદાજિત છેલ્લી ચાર સદીઓથી ચાલે છે.

કાળા ડુંગર પર દત્તાત્રેય મંદિરમાં આરતી પછી રોજ બે વખત (એક વખત બપોરે 12 વાગ્યે અને બીજી વખત સાંજે 6 વાગ્યે) ગોળ અને ઘી મિશ્રિત ભાત એક ઓટલા પર મૂકવામાં આવે છે. આ ઓટલાને “લોંગ ઓટલો” કહેવામાં આવે છે. પ્રસાદ લઇ જનાર વ્યક્તિ લો અંગ, લો અંગનો સાદ પાડે છે, મંદિરનો ઘંટ વાગે છે અને આજુબાજુના ઝાડી ઝાંખરામાંથી શિયાળીયાઓ ત્યાં તરત જ આવી જાય છે અને ઓટલા પર મૂકવામાં આવેલા પ્રસાદને આરોગી જાય છે. આ રોજનો નિત્યક્રમ છે.

મંદિરના ટ્રસ્ટી હિરાલાલ રાજદેએ  જણાવ્યુ કે, "આ પરંપરા પાછળ એક કહાની છે. વર્ષો પહેલા ભગવાન દત્તાત્રેય અહીંથી પસાર થયા હતા અને આ દરમિયાન કોઇ માલધારીના ગાયો લૂંટી ગયો હતો. તેમણે આ ગાયોને બચાવીને માલધારીઓને પાછી અપાવી અને આ કાળા ડૂંગર રોકાયા હતા અને ત્યાં સાધના કરી હતી. તેઓ તેમના આશ્રમમાં ભૂખ્યા લોકોને જમાડતા. એક વખતે ભૂખ્યુ શિયાળ ત્યાં આવ્યું અને તેના ખાવા આપવા માટે તેમની પાસે કશું વધ્યું નહોતું એટલે તેમણે તેમનો હાથ કાપીને શિયાળને આપ્યો પણ શિયાળે તે આરોગ્યો નહીં અને પાછું ચાલ્યું ગયું. શિયાળમાં પણ આ સંસ્કારને યાદ કરીને તેમજ શિયાળ દત્તાત્રેયનું વાહન ગણાતું હોય આજે પણ શિયાળને પ્રસાદ આપવામાં આવે છે. આજે પણ શિયાળ ત્યાં આવે છે.”

આ પંરપરા વિશે અનેક પ્રકારની બીજી કહાની પણ છે પણ આ બધાનો મૂળ સાર એક જ નીકળે છે કે, ભુખ્યા શિયાળ માટે ભગવાન દત્તાત્રેયની સંવેદના. પુજારી રોજ બોલતા હતા કે, લો અંગ, લો અંગ, આ લો અંગનું જતા દહાડે અપભ્રંશ થઇને લોંગ થઇ ગયું. આ વિસ્તાર કચ્છના રણના અભ્યારણ્યના વિસ્તારની અંદર આવે છે અને કાળા ડુંગર ઉપર 1437 ફૂટ ઉપર મંદિર આવેલુ છે.

વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો કહે છે કે, શિયાળ એ શાકાહારી નથી પણ કાળા ડુંગર પર પ્રસાદ રૂપે ભાત આપવામાં આવે છે અને તે આરોગે છે. મનોવિજ્ઞાનની કદાય પાવલોવિયન ઇફેક્ટ પણ હોઇ શકે. પણ આ બધાની વચ્ચે વન્ય પ્રાણી ભુખ્યુ ન રહે એ સંત પરંપરાનું આ જીવતું જાગતુ ઉદાહરણ છે. કાળા ડુંગર પર 1437 ફૂટ ઉપર આ મંદિર આવેલુ છે.

(6:22 pm IST)