Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સોમનાથ-કોડીનાર હાઇવે અતી બિસ્માર

છેલ્લા ૧ વર્ષ ઉપરાંતથી હાઇવે બિસ્માર છતાં હાઇવે ઓથોરીટીનું ભેદી મૌનઃ ઠેરઠેર મસ મોટા ગાબડા

કોડીનાર તા. ૧૩: કોડીનાર-ઉના-ગીરગઢડા તાલુકાને સૌરાષ્ટ્ર અને અમદાવાદ સાથે જોડતા સોમનાથ-કોડીનાર નેશનલ હાઇવે અતી બિસ્માર બન્યો હોય રોડ ઉપર ઠેર-ઠેર મસમોટા ગાબડાઓ પડતાં વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે આ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાઇ તે પહેલા હાઇવે ઓથોરીટી આ રોડની મરમ્મત કરાવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

સોમનાથ-ભાવનગર વચ્ચે ફોર ટ્રેક નેશનલ હાઇવે બની રહ્યું છે. જેમાં સોમનાથ-કોડીનાર નેશનલ હાઇવેની હાલત ભારે વરસાદ બાદ અતિ બિસ્માર બની છે. હાઇવે ઉપર મોટા ખાડા પડતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. સોમનાથથી કોડીનારનાં ૪૦ કિ.મી.નો રોડ કાપતા રાહદારીઓનાં કમર સહિતનાં હાડકાઓ હલબલી જાય છે. કોડીનાર-ઉનાનાં દર્દીઓ રાજકોટ-અમદાવાદ દવાખાને જાય છે ત્યારે આ રોડ ઉપરની પસાર થતાં દર્દીઓની હાલત દયનીય બની જાય છે. આ ઉપરાંત કોડીનારને વેરાવળ સાથે જોડતાં સોમનાથનાં હિરણ નદીનો પુલ તો અતિશય બિસ્માર બન્યો હોય, પુલ ગમે ત્યારે તુટી પડે તેવી સંભાવના છે ત્યારે ફોરટ્રેક બનતાં હજુ ર વર્ષ જેટલો સમય લાગે તેમ છે ત્યારે શું ત્યાં સુધી લોકોને આવી રીતે જ સહન કરવાનું છે? સોમનાથ-કોડીનાર હાઇવે ઉપર મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર રહે છે, અને ખરાબ રોડનાં કારણે અહીં અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. આ રોડ ઉપર ઉડપી ધુળની ડમરીનાં કારણે ખેડુતોનાં પાકને પણ નુકશાન થઇ રહ્યું હોય, રાહદારીઓ સાથે ખેડુતોમાં પણ ભારે રોષ છવાયો છે.

સોમનાથ-કોડીનાર હાઇવે છેલ્લા ૧ વર્ષથી વધુ સમયથી બિસ્માર છે, અને હાલનાં ભારે વરસાદે આ બિસ્માર રોડને વધુ દયનીય બનાવી દીધો છે આ રોડ ઉપરથી ઘણાં રાજકીય માંધાતાઓ પસાર થઇ રહ્યા હોવા છતાં રાજકારણીઓનું પેટનું પાણી હલતું નથી. હમણાં થોડાક દિવસો પહેલાં જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા પણ આ રોડ ઉપરથી પસાર થતા તેમણે રોડ જોયો હોવા છતાં કોઇ પગલા ન ભરતા લોકોમાં ભારે રોષ છવાયો છે, ત્યારે સોમનાથ-કોડીનાર નેશનલ હાઇવેને ફરીવાર બનાવવા અથવા જયાં સુધી રોડ ન બને ત્યાં સુધી રોડને રીપેરીંગ કરી લોકોની મુશ્કેલીઓ દુર કરવા માંગણી ઉઠવા પામી છે. (૭.૧૮)

(11:51 am IST)