Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

કુવાડવાના સાયપરમાં સગપણના મનદુઃખમાં માતા-પુત્ર પર હુમલો

દિપક પરમાર અને વાલીબેન પરમાર પર પડોશી તૂટી પડ્યાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૩: કુવાડવાના સાયપરમાં અનુસુચિત જાતીના યુવાન અને તેના માતા પર તેની જ જ્ઞાતિના પડોશીઓએ સગપણ બાબતના મનદુઃખને લીધે હુમલો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

સાયપર રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં દિપક ખીમજીભાઇ પરમાર (ઉ.૩૧) પર પડોશી ધનજીભાઇ ડાયાભાઇ, હકા ડાયાભાઇ, ભીમા ડાયાભાઇ, અજા ડાયાભાઇ સહિતનાએ હુમલો કરતાં માતા વાલીબેન ખીમજીભાઇ પરમાર (ઉ.૪૫) વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંનેને રાજકોટ ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

દિપકના પિતા ખીમજીભાઇ કાળાભાઇ પરમારના કહેવા મુજબ તેના દિકરા રવિના સગપણની વાત ચારેક વર્ષથી ફાળદંગના પરિવારની દિકરી સાથે ચાલતી હતી. પણ આ દિકરી સાથે ધનજીભાઇ ડાયાભાઇએ પોતાના દિકરાનું સગપણ નક્કી કરી નાંખતા આ બાબતે તેને સમજાવવા જતાં હુમલો કર્યો હતો. (૧૪.૫)

(10:37 am IST)