Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પોરબંદરમાં નગરપાલિકામાં ગેરકાયદે રોજમદારોની ભરતીમાં ફોજદારી ગુન્હા દાખલ કરવા રામદેવભાઇ મોઢવાડીયાની માંગણી

ઠરાવ મુજબ વધારાની જગ્યામાં ભરતી કરવા નગરપાલિકા નિયામકની પૂર્વ મંજૂરી લેવાય નથીઃ વિજયભાઇ રૂપાણીને રજૂઆત

પોરબંદર,તા.૧૩: નગરપાલિકામાં મંજુરી વિના અને બીનજરૂરી ગેરકાયદે ૩૨૧ રોજમદાર કર્મચારીની ભરતી ગુન્હા દાખલ કરવાની તાલુકા પંચાયત વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રામદેવભાઇ મોઢવાડિયાએ માંગણી કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પગલા લેવા પત્ર દ્વારા રજુઆત કરી છે.

તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રામદેવભાઇ મોઢવાડિયાએ મુખ્યમંત્રી વિજયભાઇને રજુઆતમાં જણાવ્યું છે કે, નગરપાલિકા ૨૦૧૭/૧૮ ના ઓડીટ દરમિયાન રાજ્ય સરકારના ઓડીટ વિભાગો વાર્ષિક વાઉચરો તેમજ શાળાઓમાં હાજરી પત્રકોની ચકાસણી કરવાનાં સામેલ પત્રક મુજબ મંજુર થયેલા મહેકમથી ૩૨૧ જેટલા વધુ ફીકસ કર્મચારીઓની ભરતી કરેલ હાલમાં અને આ ગેરકાયદેસર રીતે ભરેલા કર્મચારી પગા પેટ. રૂ.૧,૩૪,૪૧,૧૪૧ ચુકવવામાં આવ્યા હતા.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ નગરપાલિકાના મહેકમનું લઘુતમ માળખુ તેમજ માપદંડ નકકી કરવાામં આવેલ છે. તા. ૨૨/૧/૨૦૦૪ ના ઠરાવ શરત નં. ૩ મુજબ અને તા. ૧/૬/૨૦૧૦ના ઠરાવની શરત નં. ૪ મુજબ વધારાની જગ્યાની ભરતી કરવા માટે નગરપાલિકા નિયામકની પૂર્વ મંજુરી લેવી ફરજીયાત છે. નગરપાલિકા નિયામકની મંજુર મેળવી લીધેલ નથી તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે.

નગરપાલિકા દ્વારા આવા રોજમદાર કર્મચારીઓની મંજુરી માટેની દરખાસ્ત કરતાં પહેલા અને રોજમદાર કર્મચારીઓને ભરતા પહેલા નગરપાલિકાના  અધિકારીઓ અને પદાધિકારીઓએ રોજમદાર કર્મચારી સોપવાની કામગીરીનો પ્રકાર, કામગીરી, પ્રમાણે લાયકાત, રોજમદાર કર્મચારીની જરૂરીયાત અને રોજમદાર કર્ચમારીની અનિવાર્યતાનો સમય અને ખર્ચનો અંદાજ કાઢીને દર્શાવવાનો હોય છે જેતે ખર્ચનો અંદાજ પણ કાઢવામાં આવ્યો નથી.

આ પ્રકારની મંજુરી વગરના રોજમદાર કર્મચારીઓની ભરતીઓ છેલ્લા પાંચ વર્ષથી સતત ચાલુ છે અને આ પ્રકારના રોજમદારોને જેટલો પગાર નગરપાલિકાએ ચુકવ્યો હોય તે પગારની જવાબદારી જે તે વખતના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફીસર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીઓની જવાબદારી ફીકસ કરવામાં આવે અને તેની પાસેથી રેવન્યુ રાહે વસુલ કરવામાં આવે અને આ ગેરકાયેદસર રોજમદારોની ભરતીને નાણાકીય ઉચાપત ગણીને ફોજદારી ગુનાઓ દાખલ કરવામાં આવે એવી માંગણી રામદેવભાઇ મોઢવાડિયાએ મુખ્યમંત્રી સમક્ષ રજુઆતમાં કરવામાં આવી છે.

(12:06 pm IST)