Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મંગળવારે બગદાણામાં ગુરૂપુર્ણિમા મહોત્સવ ધામધુમથી ઉજવાશે

મંગલા આરતી,ધ્વજાપૂજન, ધ્વજારોહણ, મહિમાપૂર્ણ ગુરૂપૂજન, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો

ભાવનગરઃ પૂ.સંત બજરંગદાસબાપાના ધામ બગદાણા (તા.મહુવા) ખાતે આગામી તા.૧૬ને મગળવારના રોજ ગુરૂપુર્ણિમાં મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મહોત્સવ માટેની તૈયારીઓને ગુરૂઆશ્રમ બગદાણા ખાતે આખરીઓપ અપાય રહ્યો છે.ગુરૂમહારાજ પ્રત્યે કૃતક્ષતા વ્યકત કરવાના આ ધન્ય અવસરને પૂર્ણ ભકિતમય વાતાવરણમાં હજારો ભાવિકભકતજનોની હાજરી વચ્ચે શ્રધ્ધાપૂર્વક ઉજવવામાં આવશે તા.૧૬ના ગુરૂપૂૂનમના પાવન દિવસના ગુરૂઆશ્રમ ખાતેથી ઘોષિત થયેલા ધર્મમય કાર્યક્રમો મુજબ વહેલી સવારના ૫ કલાકે મંગલા આરતી થશે. ૭.૩૦ કલાકે ધ્વજાપુજન તથા ૮.૩૦ કલાકે ધ્વજા રોહન કાર્યક્રમ સંપન્ન થશે. મહિમાપૂર્ણ ગુરૂપુજન સવારે ૯ થી ૧૦ કલાક વચ્ચે યોજાશે. પ્રસાદ વિતરણ સવારના ૧૦ કલાકથી અવિરત પણે શરૂ રહેશે.

ગુરૂપુર્ણિમાના પ્રતિવર્ષના તહેવારો બાપાના ધામ બગદાણા ખાતે વિશાળ સંખ્યામાં ભકતજનો યાત્રાળુજનોની ઉપસ્થિતિ રહે છે. ચાલુ વર્ષે પણ મસ મોટી સંખ્યામાં માનવ સમુદાય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોય તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓને પહોંચી બળવા આગોતરૃં આયોજન પણ કરવામાં આવ્યું છે. આ માટે સરકાર વિભાગોની આ દિવસ માટે કાર્યસંકલન માટે ગત તા.૮ના રોજ વિવિધ વિભાગોની બેઠક બગદાણા ખાતે મળી હતી. જમાં સુચારૃં વ્યવસ્થાઓ માટે ચર્ચા કરી આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ઉપરાંત ગુરૂપુનમના આગમના દિવસોથી અહી ૪૬૫ ગામોના આશરે ૧૨૦૦૦ સ્વયંસેવક ભાઇઓ તેમજ ૨૭૦ ગામોના દસ હજાર બહેનોની રસોડા વિભાગ તેમજ અન્ય વિભાગોમાં સેવાઓ શરૂ રહી છે.

આજે અત્યારે પણ સતત ૨૪ કલાક રસોડા વિભાગ સ્વયસેવકો અને રસોઇ બનાવનાર ભાઇઓ દ્વારા પ્રસાદ વગેરેની તૈયારી માટે ધમધમતો થયો છે.

ગુરૂપુનમના દિવસમાં શુધ્ધ ઘીના લાડુ, મોહન થાળ તેમજ રોટલી, ગાંઠિયા, શાક,દાળ,ભાતનો પ્રસાદ ગુરૂઆશ્રમની પરંપરા પ્રમાણે સૌ માટે પંગતમાં  બેસીને પ્રસાદ પીરસવામાં આવશે. વ્યવસ્થા માટે નવી ભોજન શાળા ખાતે બહેનો તથા ગોપાલગ્રામની ભોજન શાળામાં ભાઇઓ માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

સ્વયંસેવક ભાઇઓ,બહેનો રસોડા રસોડા વિભાગ સહિત પ્રસાદ વિતરણ, ચા-પાણી, કોઠાર, દર્શન, વાહન વ્યવસ્થા પાર્કીગ સુરક્ષા અને પ્રાથમિક સારવાર સહીતના વિભાગોમાં ખડેપગે સેવા બજાવશે.

પોલીસ વિભાગ દ્વારા એક પી.આઇ., ૭ પી.એસ.આઇ. ૬૦ પો.કો. અને ટ્રાફિક પોલીસ મહિલા પોલીસ તથા ૮૦ જેટલા હોમ ગાર્ડનો ચુસ્ત બંધાબસ્ત રહેશે. એસ.ટી.બસ વિભાગ દ્વારા પણ ભાવનગર ઉપરાંત તળાજા, પાલીતાણા, મહુવા બસ ડેપો ખાતેથી ખાસ બસ પણ બગદાણા તરફ દોડાવવામાં આવનાર છે.

ચંદ્રગ્રહણના કારણે મંગળવારે સાંજથી દર્શન વિભાગ બંધ

ભાવનગરઃ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમાના દિવસે (મંગળવારે) ચંદ્રગ્રહણ હોવાથી સાંજે ૫ કલાકથી બુધવારના વહેલી સવારના ચાર કલાક સુધી દર્શન વિભાગ બંધ રહેશે. પ્રસાદ વિભાગ આ ચા-પાણી વિભાગ રાબેતા મુજબ શરૂ રહેશે તેમ ગુરૂઆશ્રમ બગદાણા તરફથી યાદીમાં જણાવાયું છે. જૈન દર્શનાર્થીઓએ નોંધ લેવા પણ જણાવાયું છે.

(11:43 am IST)