Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ઉમરાળા પંથકના ખુની હુમલાના ગુનામાં પકડાયેલ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી અદાલત

ભાવનગર તા.૧૩: ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે જીવલેણ હુમલાના ગુના સબબ આરોપને પાંચ વર્ષની સખ્ત કેદની સજાઃ સેસન્સ જજ શુભદ્રાબેન બક્ષીએ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો  ગ્રાહય રાખીને ફટકારી છે.

ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે રહેતા પરેશભાઇ પાંચાભાઇ ડાંગર (ઉ.વ.૨૫)એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે ગત તા.૧૯-૧૦-૨૦૧૬ના રોજ તેઓ તથા ઇજા પામનાર સાહેદ ખોડાભાઇ નાનજીભાઇ ડાંગર તથા અરવિંદભાઇએ ફરીયાદી પરેશભાઇ ડાંગરની લાખાવાડ ઠોંડા ગામની સીમમાં આવેલ ખેતરે તારફેન્સીંગનું કામ કરતા હતા અને તાર ફેન્સીંગ માટે સિમેન્ટ, ક્રોકીંટનો માલ તેમના ટ્રેકટરમાં લાવી  સાહેદ સુખાભાઇના ખેતર પાસે મુકેલ હોય ત્યારે સાંજના સુમારે આ કામના આરોપી રાજુભાઇ રામભાઇ ડાંગર (ઉ.વ.૪૦ રહે. રહે.ઠોંડા ગામ તા ઉમરાળા, જી.ભાવનગર) તેના હાથમાં લોખંડની કુહાડી લઇને આવી ફરીયાદી પરેશભાઇ ડાંગર તથા સાહેદ ખોડાભાઇ ડાંગરને કહેલ કે તમોએ તમારૂ ટ્રેકટર મારા ખેતરના રસ્તેથી કમ ચલાવેલ છે તેમ કહી જેમફાવે તેમ ગાળો આપવા લાગતા ખઓડાભાઇ નાનજીભાઇએ ગાળો આપવાની ના પાડતા આરોપી રાજુ ડાંગરએ ઉશ્કેરાઇ જઇ મારી નાખવાના ઇરાદે ખોડાભાઇને માથાના ભાગે જીવલેણ ઇજા કરતા તેમને ગંભીર હાલતે સારવાર અર્થે સૌપ્રથમ ઉમરાળા ત્યારબાદ ભાવનગર હોસ્પીટલ ખસેડાયા હતા.

ઇજા પામનારને માથાના ભાગે ઓપરેશન કરેલ હોય જેથી ઇજા પામનાર સતત બે મહિના સુધી કાંઇ બોલી શકેલ ન હોય જેથી માથાના ભાગે ગંભીર ઇજા કરી ગાળો આપી આરોપી રાજુભાઇ રામભાઇ ડાંગર સામે જે તે સમયે ફરીયાદી પરેશભાઇ પાંચભાઇ ડાંગરે ફરીયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે આ બનાવ અંગે આરોપી સામે ઇપીકો કલમ ૩૦૭,૫૦૪ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ આરોપી રાજુભાઇ  રામભાઇ ડાંગર સામે ઇપીકો કલમ ૩૨૬ મુજબનો ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ.૫ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા અદાલતે ફટકારી હતી.

(11:37 am IST)