Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

હાડગાળની ઠંડીમાં મહેનત કરી અગરિયા પરિવાર આપણા સુધી મીઠું પહોચાડે છે

સુરેન્દ્રનગર પંથક નજીકના કચ્છના નાનરણની કથા

સુરેન્દ્રનગર તા.૧૨ : કચ્છના નાના રણનો મીઠા ઉદ્યોગ ગુજરાતના સૌથી જૂના ઉદ્યોગ પૈકીનો એક ઉદ્યોગ છે. છેવાડે પડેલા કચ્છના નાના રણમાં ધોમધખતા તાપમાં અને હાડ ગાળી નાખે તેવી ઠંડીમાં ઓકટોબરથી મે મહિના દરમિયાન જુદા-જુદા સ્થળે મીઠું પકવતા અગરિયા પરિવારો પ્રત્યે બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. પરંતુ સૌનો સાથ સૌના વિકાસના ધ્યેય મંત્રને વરેલી આ સરકારે ગુજરાતના તમામ ક્ષેત્રોની સાથે અંતરિયાળ વિસ્તારોના વિકાસનો જે યજ્ઞ આરંભ્યો છે, તેનો લાભ આ રણ વિસ્તારના અગરિયા પરિવારોને પણ મળ્યો છે.

ઝાલાવાડના નામે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાને અડીને આવેલું કચ્છનું નાનું રણ અને તેમાં ઉત્પન્ન થતું મીઠું એ આ વિસ્તારના અગરિયા પરિવારોના જીવનનિર્વાહ માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. વર્ષના આઠ મહિના કાળજાળ ગરમી અને હાડ થીજાવી દે તેવી ઠંડીમાં રણકાંઠાના ગામડાના અગરિયાઓ તેમના પરિવાર સાથે રણમાં ઝુપડા બાંધીને, જમીનમાં બોર કરી, તેમાંથી પાણી ખેંચીને મીઠું પકવતા હોય છે. એક જમાનામાં રણમાં કૂઈમાંથી ઢેંકવા દ્વારા બ્રાઈન ખેંચીને મીઠું પકવવામાં આવતું. કાળક્રમે ઢેંકવાના બદલે બળદ અને કોસ નો ઉપયોગ થવા લાગ્યો અને આજે હવે અહીંના અગરિયાઓ ડીઝલ એન્જિન દ્વારા બ્રાઇન ખેંચી મીઠું પકવીને આપણા સુધી સબરસ પહોંચાડી રહયા છે.

 આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવતા મીઠાના ઉત્પાદન સાથે જોડાયેલા આ અગરિયા પરિવારોના જીવનને સબરસ બનાવવા, અગરિયાઓ આર્થિક રીતે સમૃદ્ઘ બને અને તેની સાથે એશિયાનું એકમાત્ર દ્યુડખર અભયારણ્ય જયા આવેલું છે, તે કચ્છના નાના રણને ડીઝલ એન્જિનના ધુમાડાના પ્રદુષણથી મુકત કરી શકાય તેવા બહુહેતુક ઉદેશ સાથે રાજય સરકારે સોલાર સીસ્ટમની યોજના અમલમાં મૂકી છે. જેનો અત્યાર સુધીમાં આ વિસ્તારના ૪૭૦ થી વધુ અગરિયા પરિવારોને લાભ મળ્યો છે.

(11:36 am IST)