Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

બાળ મૃત્યુ દર ઘટાડવા માટે કચ્છના કલેકટર અને ડીડીઓની પહેલ- ભુજમાં શરૂ કરાયું ખાસ સારવાર કેન્દ્ર

અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા થશે નિઃશુલ્ક તપાસણી અને સારવાર

ભુજ, તા.૧૩: આજે નવજાત શિશુઓના મૃત્યુદર માટે સરકાર ચિંતિત છે. તેમાંયે કચ્છ જેવા મોટા જિલ્લામાં અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાં ગાયનેક ડોકટરો નથી. તો, કચ્છના મુખ્ય શહેરો સિવાય તાલુકા મથકોએ પણ ગાયનેક ડોકટરોની સંખ્યા સાવ નહિવત છે.

આવા સંજોગોમાં સગર્ભા માતાઓની યોગ્ય સારવાર થાય અને નવજાત શિશુઓના જીવન બચાવી શકાય એવા હેતુ સાથે કચ્છના બે મુખ્ય અધિકારીઓએ એક માનવતાભરી પહેલ કરી છે. શું છે આ પહેલ? કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જીકે ના ચીફ મેડિકલ સુપ્રી. ડો. એન.એન. ભાદરકા કહે છે, કે કચ્છના બે મુખ્ય અધિકારીઓ કલેકટર રેમ્યા મોહન અને ડીડીઓ પ્રભવ જોશીની પહેલથી સગર્ભા માતાઓના ચેકઅપ અને સારવાર માટે એક અલગ વ્યવસ્થા કરાઈ છે. જે અંતર્ગત ભુજની જીકે જનરલ હોસ્પિટલના રૂમ નંબર ૧૮ મા સગર્ભા માતાઓનું ચેકઅપ અને સારવાર નિઃશુલ્ક કરાઈ રહ્યા છે. અહીં સગર્ભા માતાઓને તાત્કાલિક ધોરણે તપાસણી તથા સોનોગ્રાફી સહિતના અન્ય જરૂરી રિપોર્ટ કાઢી આપવામાં આવે છે. રૂમ નંબર ૧૮ મા સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી સગર્ભા માતઓનું ચેકઅપ કરી આપવામા આવે છે.

નિઃશુલ્ક અપાતી આ સારવારનો લાભ જિલ્લાની સગર્ભા માતાઓ લઈ શકે તે માટે અદાણી જીકે હોસ્પિટલ વતી ડો.એન.એન. ભાદરકાએ અપીલ કરી છે. તો, કચ્છના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના તમામ સરકારી ડિસ્પેન્સરી, પીએચસી, સીએચસી સેન્ટરોના તબીબો, ફિમેલ હેલ્થ વર્કરો,આશા વર્કરોને પણ આ અંગેની જાણકારી સગર્ભા માતાઓ સુધી.પહોંચાડવા જણાવાયું છે. જે સગર્ભા માતાઓની હાલત ક્રિટિકલ હશે તેમને અલગથી એક કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આ કાર્ડ ધારક સગર્ભા માતાને તાત્કાલિક સારવાર મળે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરાઈ છે.

(10:54 am IST)