Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાસેથી પૈસા પડાવવાના ગુન્હામાં નિવૃત્ત પોલીસમેન પિસ્તોલ સાથે ઝડપાયો

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયા પાસેથી ચૂંટણી શરતના એક લાખ બળજબરીથી પડાવી લેવા પ્રકરણમાં પોલીસની ત્વરિત કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયાના ભાઈ સાથે ચૂંટણીમાં મત મળવા અંગેની શરત જીતી ગયા બાદ પૂર્વ પ્રમુખ પાસેથી બળજબરીથી એક લાખ પડાવી લેવા પ્રકરણમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકમાં આરોપી એવા નિવૃત પોલીસમેનને ગેરકાયદે પિસ્તોલ, કારતુસ અને ક્રેટા કાર સાથે ઝડપી લઈ આ નિવૃત પોલીસમેનના કરતુતોનો પોલીસે ભાંડો ફોળ્યો છે.
તાજેતરમાં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં માળિયાની મોટા દહીંસરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર નિવૃત પોલીસ કર્મી પરબત હુંબલ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના ભાઈ મહેન્દ્રભાઇ પ્રેમજીભાઈ ચીખલીયાએ ચૂંટણીમાં મત મળવા અંગે આરોપી પરબત સાથે શરત લગાવેલી શરત હારી જતા આરોપીએ વિવાદ ઉભો કરી રૂપીયા એક લાખને બદલે રૂપીયા દસ લાખની માંગણી કરી અને આ દસ લાખ રૂપીયા ફરીયાદીની પાસેથી લેવા માટે ફરીયાદીને બવાર નવાર મારમારવાની તેમજ જાનથી મારીનાખવાની ધમકીઓ આપી તથા ફરીયાદી તથા તેના ભાઇના પત્ની જે જિલ્લા પંચાયત મોટા દહિસરા સીટના સભ્ય હોય તે તમામને ગુનામાં સંડોવી દેવા તેઓ વિરૂધ્ધ પોલીસમાં તેમજ ઉચ્ચકક્ષાએ આત્મવિલોપન કરવાની ખોટી અરજીઓ કરી હતી.

આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર એવા પરબત હૂંબલે પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પાસેથી રૂપિયા એક લાખ બળજબરીથી પડાવેલ હતા. જે બાબતે ફરીયાદી નોંધાતા માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા અને સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરી આરોપી પરબતભાઇ ભવાનભાઇ હુંબલને પોતાની ક્રેટા કારમાં ગેર કાયદેસર દેશી બનાવટની પીસ્તોલ અને કારતુસ અને કાર સહિત કુલ રૂપિયા ૭,૧૬,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી પરબતભાઇ ભવાનભાઈ હુંબલ આ અગાઉ રાજકોટ રૂરલ જિલ્લામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો, અને ત્યાર બાદ પોતે આશરે સાત આઠ વર્ષ પહેલા સ્વૈછીકપણે રાજીનામું આપેલ હતું. ત્યાર બાદ આરોપી પોતાની મોટા દહીસરામા આવેલ વાડી ખાતે જીમખાનાનું લાયસન્સ મેળવી જીમખાનાના ઓઠા હેઠળ જુગારની પ્રવૃતિ ચલાવાતી હોવાનું ધ્યાને આવેલ હોવાનું ઉપરાંત આ પ્રવૃતિમાં કોઇ પોલીસ અડચણ કરવાની કે રોકવાની તજવીજ કરે આરોપી પરબતભાઇ ભવાનભાઇ પોલીસ વિભાગમાં નિવૃત અધિકારી હોય અને કાયદાનો જાણકાર હોય પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરી દબાણ લાવી પોતાની ગેરકાયદેસર પ્રવૃતિઓ બેરોકટોક ચાલુ રહે તેવા આશયથી આવી અરજીઓ વિગેરે કરવાની વૃતિધરાવતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આ ઉપરાંત આરોપી મોરબી જિલ્લા વિસ્તારમાં પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખવા બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં પણ કાર્યરત હોવાનું જણાઇ આવેલ હતું, આમ લાંબા સમયથી ધાક જમાવનાર નિવૃત પોલીસમેન સામે અંતે માળીયા પોલીસે કાર્યવાહી કરતા આ બાબત ચર્ચાના એરણે ચડી છે.

(7:29 pm IST)