Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દાનવીર અને કર્મશીલ શ્રેષ્ઠી કાંતિસેન શ્રોફ 'કાકા' નું દુઃખદ નિધન- કચ્છની સેવામાં જીવન કર્યું હતું સમર્પિત

:કચ્છના નવસર્જનના સ્વપ્નદ્રષ્ટા પૂ. કાકાની ચિરવિદાયથી શોકનું મોજુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::કચ્છી માડુઓમાં પૂ. કાકાના નામે જાણીતા કાંતિસેન શ્રોફ ૯૮ વર્ષની જૈફ વયે પણ સામાજિક સેવામાં પ્રવૃત્ત હતા. મૂળ કચ્છી ભાટીયા અને ભાવનગર રહ્યા બાદ કચ્છને પોતાની સેવાભૂમિ બનાવનાર કાંતિસેન 'કાકા' એ પોતાના દિવંગત ધર્મપત્ની ચંદાબેન શ્રોફ સાથે મળીને વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શ્રુજન, એલએલડીસી જેવી સંસ્થાઓ સ્થાપી હતી. જેના માધ્યમથી કચ્છના અન્ય દાતાઓ અને ગ્રામજનોને જોડી લોકભાગીદારી સાથે કચ્છના ગ્રામવિકાસના ઉત્થાનના સંકલ્પ દ્વારા જળસંગ્રહ, ખેતી, પશુપાલન, હસ્તકલા સહિતના ક્ષેત્રે સ્વરોજગારીના લોકઉપયોગી કાર્યો કરી કચ્છની કાયાપલટ કરવામાં તેમનું મહત્વનું પ્રદાન અને હિસ્સો હતો. દાનવીર સાથે કર્મશીલ શ્રેષ્ઠી મુરબ્બી કાંતિસેન શ્રોફ પૂ. કાકા ના નિધનથી કચ્છે એક રાહબર અને પોતાના હામી ગુમાવ્યા છે. તેમના નિધનના સમાચાર કચ્છ અને કચ્છ બહાર રહેતાં કચ્છી માડુઓમાં ઊંડા શોકનું મોજું ફરી વળ્યુ છે.

(12:51 pm IST)