Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હાઇકોર્ટમાં મેટર પેન્ડીંગ હોવા છતાં

ઓનલાઇન દવાઓ વેચવાની છૂટ આપવી તે દવાના વેપારીઓ સાથે વિશ્વાસઘાત છે

સરકારના તાજેતરના નિર્ણય સામે સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એસો. તથા કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ - મંત્રી ધૂવાપુઆ : હાલમાં કોરોના કહેર વચ્ચે અન્ય વસ્તુઓની ઓનલાઇન ડીલીવરી બંધ છે તો દવામાં શા માટે ચાલુ કરાઇ? શું ડીલીવરી બોય કોરોના નહીં ફેલાવે ? : ગુજરાત કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ ફેડરેશનના જશવંત પટેલ દ્વારા વિજયભાઇને પણ રજૂઆત કરવામાં આવી

રાજકોટ, તા. ૧ર : તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ ઉપર ઘરબેઠા ઓનલાઇન મેડીસીન્સ મંગાવવા માટે નેટમેડસ, મેડલાઇફ, ફાર્મઇઝી, ૧ એમજી સહિતની કંપનીઓના નામ મૂકવામાં આવ્યા છે. આ બાબતે અંદાજે પાંચ હજાર જેટલા દવાના વેપારીઓનું સંગઠન સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશન તથા કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇ ધૂવાપૂઆ થઇ ગયા છે.

તેઓએ આક્રોશ સાથે અકિલાને જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં મોટાભાગે વિદેશી ગણાતી કંપનીઓને ઓનલાઇન દવાઓ વેચવાની છૂટ આપવી  તે સમગ્ર દેશના આશરે સાડા આઠ લાખ જેટલા દવાના ધંધાર્થીઓ સાથે વિશ્વાસઘાત સમાન છે. સમગ્ર ભારતમાં ગામડે-ગામડે દવાના વેપારીઓ રહેલા છે અને તેઓ મોટાભાગે 'ફ્રી હોમ ડીલીવરી' પણ કરી રહ્યા છે. લોકડાઉન દરમ્યાન 'ડોર સ્ટેપ ડીલીવરી'ને કારણે ઘણા દવાના વેપારીઓનો બિઝનેસ પણ  વધી ગયો છે કે જેઓ દેશની  ઈકોનોમીમાં હકારાત્મક સહયોગ આપી રહ્યા છે.

મયુરસિંહ જાડેજા  તથા અનિમેષ દેસાઇએ  વધુમાં જણાવ્યુ હતુ કે દવાઓની ઓનલાઇન  ડીલીવરીની કાયદેસર સંપુર્ણ   છુટ  આપવી કે નહી તે બાબત ચોક્કસ - સ્પષ્ટ અને કાયદાનો ભંગ ન થાય તેવા નિયમો  ન બને ત્યાં સુધી દિલ્હી, મદ્રાસ (ચેન્નઇ),મુંબઇ સહિતની હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. હાઇકોર્ટ દ્વારા ઈ-ફાર્મસી બાબતે કલેરીટી સાથેનો ડ્રાફટ બનાવી કોર્ટ સમક્ષ રજુ કરવા સરકારને જણાવાયુ છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટતા ન થઇ હોવાનુ હોદ્દેદારો જણાવી રહ્યા છે.

હાલમાં લોકડાઉન - કોરોના કહેર વચ્ચે સરકાર દ્વારા અન્ય ચીજવસ્તુઓની ઓનલાઇન  ડીલીવરી  બંધ છે ત્યારે સમગ્ર દેશમાં લાખો વેપારીઓનું વિશાળ નેટવર્ક ધરાવતા દવાના  બિઝનેસમાં શા માટે ઓનલાઇન વેચાણ  શરૂ કરવામાં આવ્યુ ? શું ડીલીવરી બોય કોરોના સુપર સ્પ્રેડર્સ નહિ બને? તેવા વેધક સવાલો સંસ્થાના હોદ્દેદારો દ્વારા ઉઠાવાઇ રહ્યા છે.  એવુ પણ જાણવા મળે છે કે આ બાબતે આશરે ૧૫  હજાર સભ્યો ધરાવતા ગુજરાત કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ ફેડરેશનના અગ્રણી જસવંતભાઇ  પટેલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ પણ રજુઆત કરેલ છે. સાથે-સાથે સાડા આઠ લાખ સભ્યો ધરાવતુ રાષ્ટ્રીય સંગઠન AIOCD (ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ) દ્વારા પણ નજીકના ભવિષ્યમાં સરકારના હાલના ઈ-ફાર્મસી સંદર્ભેના ઉપરોકત નિર્ણય સામે હાઇકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવામાં આવશે તેવુ સંભળાઇ રહ્યુ છે.

(10:24 am IST)