Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રૂપાવટીના ગ્રામજનોએ તળાવો ઉંડા ઉતારવા રૂ.૧૨.૫૦ લાખનો સ્વૈચ્છિક ફાળો એકઠો કર્યો

રૂપાવટી ગ્રામજનોએ અપના હાથ જગન્નાથનું સુત્ર અપનાવ્યું: ધારાસભ્ય કેનુભાઇના પ્રયત્નોને સફળતા : ૬૦-૪૦ની સુજલામ-સુફલામ યોજનાનો અમલ થયો

ગારીયાધાર તા.૧૩ : ગારીયાધાર તાલુકા રૂપાવટી ગામની કાયા બદલવા માટે ગામના આગેવાનો અને તમામ જ્ઞાતિજનો એક સંપ થઇને ભગીરથ વિકાસ કાર્યનો આરંભ થયો છે.

રૂપાવટી ગામના પાણીના તળ ઉંચા લાવવા અને ગામના ખેડૂતોને પાણીની અછત ન રહે માલધારીઓના માલઢોર સચવાઇ રહે તેમજ સમગ્ર ગામમાં પાણીની અછત ડામવા ગામના બે તળાવોને ઉંડા ઉતારવાનુ કાર્ય શરૂ કરાયુ છે. જે તળાવોમાં ગારીયાધારની સડકનુ તળાવ અને ભંડારીયા સડકનું તળાવ ઉંડુ ઉતારવાનુ કાર્ય શરૂ છે જે બંને તળાવો ઉંડા ઉતારવા માટે રૂપાવટી ગામ સમસ્ત ખેડૂતથી માંડી મજૂર વર્ગ સુધીના ગામના જ્ઞાતિજન દ્વારા પોતાની યથાશકિત પ્રમાણે આપે ૧૨.૫૦ લાખનો ફાળો અપાયો છે. જેની સામે ગામના જ આગેવાન પ્રવિણભાઇ જીવરાજભાઇ કુકડીયા દ્વારા રૂ.૧૨.૫૦ લાખનો ફાળો ઉમેરી ભગીરથ કાર્યને વેગ આપ્યો હતો.

આ સમગ્ર વિકાસ કાર્યની રૂપાવટી ગામના સુરત રહેતા વતનપ્રેમી વિરલાઓને જાણ થતા ૧૦ લાખનુ અનુદાન આપી વતનપ્રેમ ઝળકાવ્યો હતો. તો બીજી બાજુ આવુ કાર્ય જોતા સૌરાષ્ટ્રના ખેમીરવેતા દાતા સવજીભાઇ ધોળકીયા દ્વારા રપ લાખનુ દાન આપી સમગ્ર ગામને વિકાસની નવી કેડીઓ કંડારી રહી છે.

આ તળાવો ઉંડા ઉતારવા નિકળતી માટીથી રૂપાવટી ગામનો ગોંદરોનુ અને સ્માન ઘાટનુ પુરગમ કરી નવીનતમ વિકાસ આપવામાં આવ્યો. રૂપાવટી ગામની નજીકમાં પાણીના દુશ્મન ગાંડા બાવળો કાપીને નવા વૃક્ષો રોપાશે તેમજ તમામ પાળાઓ, કેડીઓ અને સડકો બનાવાનુ કાર્ય આરંભાયુ છે.

અહિ રૂપાવટી ગામના કોંગ્રેસના તા.પં. સદસ્ય મહાવીરસિંહ ગોહિલ, ભાજપના માજી સદસ્ય વિક્રમસિંહ ગોહિલ અને સરપંચ નરેન્દ્રસિંહ દ્વારા પાર્ટીઓના વિવાદો ભૂલી રૂપાવટી ગામના વિકાસ માટે ભગીરથ કાર્યમાં આગળ વધી રહ્યા છે તો બીજી બાજુ આજ આગેવાનો અને ગ્રામજનો દ્વારા સમગ્ર રૂપાવટી ગામમાં ચલાવાતા દેશીદારૂ વેચાણને પણ બંધ કરાયુ છે.

આ એક સંપ રૂપાવટી ગામની એકતા જોતા ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી દ્વારા સુજલમ સુફલમની ૬૦-૪૦ની યોજનાને પણ અમલવારી અપાઇ છે.

(11:55 am IST)