Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

અમેરિકામાં ગુન્હો કરનાર - બનાવટી ચલણી નોટમાં ૧૧ વર્ષથી વોન્ટેડ ચોટીલાના સિરાજ ઉર્ફે ચીન્ટુ કાપડીયાની ધરપકડ

ચોટીલા - વઢવાણ તા. ૧૩ : તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, ભૂતકાળના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાનેઙ્ગ આજરોજ કોમ્બિંગ નાઈટ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને અગાઉ દાખલ થયેલા ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં ચોટીલા ટાઉનમાંઙ્ગ ખીમોઇ હોટલ પાસેથી તા. ૧૬.૦૭.૨૦૦૭ ના ચોટીલા સ્થાનિક પોલીસ દ્વારા બાતમી આધારે રેઇડ કરી, બનાવટી ચલણી નોટો સાથે આરોપીઓ (૧) અભય ઉર્ફે અભુ ગીરીશભાઈ શાહ ઉવ. ૨૧ રહે. પંચનાથ મંદિર પાસે, ચોટીલા તથા (૨) રણુંભાઈ અનકભાઈ ખાચર કાઠી દરબાર ઉવ. ૨૦ રહે. ખીમોઇ હોટલ પાસે, ચોટીલાને રૂ. ૫૦૦ ની બનાવટી નોટો નંગ ૧૫ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ હતા. જે બાબતની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ હતી.

આ ગુન્હાની તપાસ દરમિયાન આ બનાવટી ચલણી નોટના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણને પણ પકડી પાડવામાં આવેલ હતો. પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલાની સંડોવણી બહાર આવેલ હતી.

આ બનાવટી ચલણી નોટના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણ વિરુદ્ઘમાં રાજકોટ શહેરના બેડીપરા વિસ્તારમાં કબીરવન સોસાયટી ખાતે તા. ૨૬.૦૮.૨૦૦૭ ના રોજ રાજકોટ શહેર એસ.ઓ.જી. દ્વારા લાખો રૂપિયાની રૂપિયા ૧૦૦૦ અને ૫૦૦ ના દરની બનાવટી ચલણી નોટ સાથે રણછોડનગર અને થોરાળા વિસ્તારના આરોપીઓ અશોક રણછોડ સાકરીયા, અશ્વિન કડવાભાઈ ખૂંટ, સહિતના આરોપીઓને પકડી પાડવામાં આવેલા અને આ બાબતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ, તે ગુન્હામાં તેમજ હાલના બોટાદ જિલ્લા અને જે તે વખતના ભાવનગર જિલ્લા એસ.ઓ.જી.એ બોટાદ જિલ્લાના ટાટમ ગામના અસ સ્ટેન્ડ પાસેથી તા. ૨૫.૦૯.૨૦૦૯ ના રોજ આરોપીઓ રમેશભાઈ ઉર્ફે ગંભુ મથુરભાઈ ભુરવાસીયા તથા ઝાલાભાઈ જાગાભાઈ રાતડીયાને બનાવટી ચલણી નોટ સાથે પકડી પાડવામાં આવેલ, જે અંગે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ, જે બંને ગુન્હાઓમાં પણ આ મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવેલ હતી.

ચોટીલા, ગઢડા તથા રાજકોટ શહેરના આ તમામ બનાવટી ચલણી નોટોના ત્રણેય ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની તથા મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણની પૂછપરછમાં આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલાની સંડોવણી બહાર આવેલ હતી. આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલા ગુન્હો કર્યા બાદ નાસતો ફરતો હતા અને આ આરોપીની અવાર નવાર ચોટીલા પોલીસ દ્વારા તપાસ કરવા છતાં મળી આવતો ના હતો અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આરોપી ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં રહેતો હોય, પણ ગુન્હો આચર્યા બાદ ચોટીલા તથા ગુજરાત છોડી, બહાર જતો રહેલ હતો. ભૂતકાળમાં આ આરોપીની તપાસ મહારાષ્ટ્ર રાજયના મુંબઈ સહિત વિસ્તારમાં પણ કરવામાં આવેલ હતી, તેમ છતાં વોન્ટેડ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલાનો કોઈ જગ્યાએ પતો લાગતો ના હતો.

હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝૂબેશના ભાગરૂપે વોન્ટેડ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલા રાત્રીના સમયે પોતાના કુટુંબીઓને મળવા ચોટીલા ખાતે આવેલ હોવાની બાતમી ચોટીલા પોલીસને મળતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.ડી.પરમાર, પો.સ.ઇ.ચંદ્રકાન્ત માઢક, સી.એચ.રાંકજા તથા સ્ટાફના હે.કો. ઘનશ્યામભાઈ, હરદેવસિંહ, ઈશ્વરભાઈ, વસંતભાઈ, સરદારસિંહ, સહિતની ટીમ દ્વારા કોમ્બિંગ નાઈટ દરમિયાન આરોપીને ચોટીલા ખાતે હાઇવે ઉપર નેપચ્યુન હોટલ પાસેથી પકડી પાડી, આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મન્સુરઅલી ઉર્ફે મનુભાઈ કાપડિયા ખોજા ઉવ. ૩૭ રહે. ચોટીલા હાલ રખડતોની ધરપકડ કરવામાં આવેલ છે.

આ બનાવટી ચલણી નોટોના ગુન્હામાં પકડાયેલ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલાની ચોટીલા પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરતા, આરોપીએ ગુન્હાની કબુલાત કરેલઙ્ગ ના હતી. પોતે માત્ર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળીને ઓળખતો હોઈ, આરોપી અભય શાહ અને રણુંભાઈ કાઠી સાથે ઓળખાણ કરાવ્યાની કબુલાત કરેલ છે. પોતાનું નામ આરોપી મગન ગોપાભાઈ કોલીએ ગુન્હામાં આપેલ હોઈ, પોતે ગુન્હો કર્યા બાદ પકડાઈ ના જાય તે માટે બોમ્બે મુંબઇ ખાતે મજૂરી કામ માટે જતો રહેલની કબુલાત કરતા, આરોપી પકડાયા અંગેની જાણ બોટાદ પોલીસ તથા રાજકોટ શહેર પોલીસને કરી, વધુ તપાસ તજવીજ પો.ઇ.શ્રી. પી.ડી.પરમાર તથા સ્ટાફે હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજાની લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપીએ કબુલાત કરેલ છે કે, પોતે ચોટીલા ખાતે કેસોસીનનો ધંધો કરતો હોય, જસદણ તાલુકાના છાસિયા ગામે રહેતા આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી પોતાની પાસે કેરોસીન લેવા આવતા હોઇ, પોતાને બનાવટી ચલણી નોટ પોતાની પાસે હોઈ, ૨૦ રૂપિયામાં કોઈને જોતી હોય તો, આપવા જણાવેલ હતું. જેથી પોતે આરોપીઓ અભય શાહ અને રણું કાઠી નો સંપર્ક કરાવી દીધેલાની કબુલાત કરેલ છે. ત્યારબાદ પોતાના માતા પિતાને અણબનાવ હોઈ, પોતાની માતા તથા એક ભાઈ સલીમ અમેરિકા ખાતે રહેતા હોય, પોતે પાસપોર્ટ અને વિઝા કઢાવી, અમેરિકા જતો રહેલ હતો. આ.એમેરિકામાં પોતે હોટલમાં વેઈટર તરીકે તેમજ ટેકસી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન બનાવટી ચલણી નોટના મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી જયાં જયાં પકડાયેલ ત્યાં પોતાનું નામ આરોપી તરીકે આપી દેતા, ચોટીલા, ગઢડા અને રાજકોટ શહેર ખાતે બનાવટી ચલણી નોટના ગુન્હામાં પોતાને સંડોવી દીધાની કેફિયત ચોટીલા પોલીસ સમક્ષ રજુ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ચોટીલા ઉપરાંત બોટાદ જીલાના ગઢડા પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચલણી નોટોના ગુન્હાઓ મળી, કુલ ૩ ગુન્હાઓમાં છેલ્લા ૧૧ વર્ષથી વોન્ટેડ નાસતો ફરતો આરોપી છે.

પકડાયેલ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજાની લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપીએ વધુમાં કબુલાત કરેલ છે કે, પોતે અમેરિકા ખાતે કેલિફોર્નિયા અને ટેકસાસ શહેરમાં રહેતો હતો ત્યારે કેલિફોર્નિયા શહેરમાં અમેરિકન પોલીસ દ્વારા પોતાને ચોરીની કાર રાખવાના તથા ચલાવવાના ગુન્હામાં પકડેલો હતો અને દશેક દિવસ અમેરિકાની જેલમાં રહ્યા બાદ નિર્દોષ છોડવામાં આવેલ હતો. બાદમાં મુંબઇ ઇન્ડિયા ખાતેથી પોતાની જ્ઞાતિની હનીફા નામની મહિલા અમેરિકા ખાતે આવતા, ટેકસીમાં અમેરિકામાં ફેરવેલ હતી અને હનીફએ પોતાના પતિ સાથે અણબનાવ હોવાની વાત કરતા, પોતાને છુટ્ટા છેડા લેવા હોઈ, તેને આ હનીફા સાથે પ્રેમ સંબંધ બંધાતા, મોબાઈલ ઉપર તથા ઇ મેલ ઉપર ચેટિંગ ચાલુ કરેલ અને પોતાની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યકત કરતા, પોતે ઇન્ડિયા આવેલ હતો. થોડા સમય દિલ્હી અને ત્યારબાદ હનીફા સાથે થયેલ વાતચીત મુજબ બોમ્બે આવતા, હનીફાના પતિએ દહીંસર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરતા, પોતાની બોમ્બે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને તા. ૦૧.૦૩.૨૦૧૮ ના રોજ જામીન ઉપર છોડવામાં આવતા, ગુજરાત આવેલ હોવાની કબુલાત પણ ચોટીલા પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે. આમ, પકડાયેલ આરોપી ગુજરાતના આંતર જિલ્લા આરોપી હોવાની સાથે મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ગુન્હામાં પકડાતા, આંતર રાજય આરોપી હોવાની સાથોસાથ અમેરિકાના કેલીફોર્નિયા શહેરમાં પકડાયેલ ઇન્ટરનેશનલ આરોપી બન્યો છે.

આમ, ચોટીલા પોલીસ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૧૧ વર્ષ જેટલા લાંબા સમયથી નાસતા ફરતા આંતર જિલ્લા, આંતર રાજય, ઇન્ટરનેશનલ આરોપીની ધરપકડ કરેલ છે.(૨૧.૧૩)

(12:51 pm IST)