Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

સુરેન્દ્રનગરઃ ભરતી મેળામાં બેરોજગારોને સ્થળ પર રૂબરૂ નોકરીના ઓર્ડર અપાયા

સુરેન્દ્રનગર તા. ૧૩ : જિલ્લા રોજગાર કચેરી- સુરેન્દ્રનગર દ્વારા મહિલા આઇ.ટી.આઇ. સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.

આ રોજગાર ભરતી મેળાના આયોજન પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી જે.ડી. જેઠવાએ ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારત એ વિશ્વનો યુવા દેશ છે. ગુજરાતનો યુવા વર્ગ એ કોઇપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ છે, માત્ર જરૂરીયાત છે યુવાવર્ગને યોગ્ય સુવિધા અને માર્ગદર્શનની. સમગ્ર રાજયના નોકરીદાતાઓનો સંપર્ક કરી રોજગાર કચેરી દ્વારા સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળા પ્રમાણમાં રોજગારવાચ્છુઓ લાભ લઇ રોજગારી પ્રાપ્ત કરે તેવો અનુરોધ કર્યો હતો. યુવાનો પસંદગીના ક્ષેત્રમાં સફળતા મેળવે તેમ પણ વધુમાં જણાવ્યું હતું. રાજય સરકારે રોજગારીની મુશ્કેલીના નિવારણ માટે પ્રયાસો હાથ ધરી ખાનગી ક્ષેત્રોના એકમોમાં પણ યુવાવર્ગ માટે અનેક રોજગારીની વિપુલ તકો ઉભી કરી હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

મહિલા આઇ.ટી.આઇ.ના પ્રિન્સીપાલશ્રી પી.કે. શાહે જણાવ્યું હતું કે, એક જ સ્થળે એક કરતા વધારે નોકરી દાતાઓને એકત્ર કરી રોજગાર માટેની તક મળી રહે તે માટેનો રાજય સરકારનો પ્રયાસ આવકારદાયક છે. રોજગારવાચ્છુઓ માટે કારકિર્દી ઘડતર માટે એક જ પ્લેટફોર્મ પર રોજગારીની અનેક તક મળે છે જેનો લાભ લેવા રોજગારવાચ્છુઓને અનુરોધ કર્યો હતો.    મહિલા આઇ.ટી.આઇ. ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં કે.ડી. સોલ્યુશન નડીયાદ, મેકવાયર એચ.આર. સોલ્યુશન અમદાવાદ, ગ્લોબલ પ્લેસમેન્ટ વડોદરા, વેલ્સન ફાર્મર ફર્ટીલાઈઝર  આણંદ, એજીસ કસ્ટમર સ્પોર્ટસ અમદાવાદ, એસેલ પ્રોપેક વાપી, ડ્રીમ વ્હીકલ વઢવાણ, શ્રીજી મોટર્સ વઢવાણ, એલ.આઇ.સી. સુરેન્દ્રનગર, લક્ષ એન્ટરપ્રાઇઝ વડોદરા, એસ.કે.પી. બેરીંગ્સ વઢવાણ, સવા હેલ્થકેર પ્રા.લી. વઢવાણ, મેકસન ફાર્મા સુરેન્દ્રનગર, કે.સી.આઇ. બેરીંગ્સ સુરેન્દ્રનગર, એલીશા વઢવાણ, મારૂતિ સુઝુકી, ડી.જી. કોલ મેપ્રો  ટેક મહિન્દ્રા ગાંધીનગર સહિતના ખાનગી એકમોમાં શૈક્ષણિક લાયકાત અનુસાર વિવિધ જગ્યાઓ રોજગારી માટેની જગ્યાઓ ભરવામાં આવી હતી.

આ મેગા જોબફેરમાં નોડલ આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી આર.આર. પટેલ, મહિલા આઇ.ટી.આઇ.નાશ્રી પી.એન.જાડેજા, અધિકારીઓ, રોજગારવાચ્છુ ભાઇઓ- બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.(૨૧.૧૨)

(12:50 pm IST)