Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ધોરાજીના જાહેર શૌચાલય-મુતરડીઓ ગંદકીથી ખદબદી રહી છે...

૧પ થી વધારે મુતરડીઓની ગંદકી માટે નિકાલની વ્યવસ્થા નથીઃ ભુગર્ભ ગટર સાથે જોડાણ કરવું આવશ્યક

ધોરાજી તા. ૧૩ :.. ધોરાજી શહેરમાં ભુગર્ભ ગટર યોજનાનું કામ શરૂ થયું ત્યારથી આજ સુધીની કામગીરી વિવાદીત જ રહી છે. ભુગર્ભ ગટરની નબળી કામગીરી ઉપરાંત શહેરનાં અનેક વિસ્તારો ભુગર્ભ ગટર યોજનામાં ભુલાઇ જતા અનેક લોકો માટે પાણીનાં નિકાલનો પ્રશ્ન વિકટ બન્યો છે.

સાથો-સાથ ધોરાજીનાં વિવિધ વિસ્તારોમાં આવેલા જાહેર શૌચાલય હોય કે મુતરડીઓ તેની ગંદકીનાં નિકાલ માટે ભુગર્ભ ગટર સાથે જોડાણ થયુ ન હોવાની ધોરાજી શહેરની ૧પ થી વધારે મુતરડીઓ ગંદકીથી ખદબદતી જોવા મળે છે.

જાહેર શૌચાલય હોય કે મુતરડી તેમાં સ્વચ્છતાનાં અભાવે અંદર પ્રવેશ કરવો પણ દુષ્કર બની જાય છે. ઉપરાંત ગંદકીને કારણે આસપાસનાં ઘરો કે દુકાનોમાં તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી લોકો પરેશાન થઇ ઉઠે છે.

ધોરાજી શહેરની જાહેર મુતરડીઓની ગંદકીનાં નિકાલ માટે હાલ કોઇ વ્યવસ્થા નથી. પરંતુ આ માટે પાણી - પુરવઠા વિભાગ અથવા ધોરાજી નગરપાલીકાએ ભુગર્ભ પાઇપમાં મુતરડીઓનાં ગંદકીનાં નિકાલ માટે વ્યવસ્થા કરવી જરૂરી છે.

તાજેતરમાં સેનીટેશન વિભાગનાં ચેરમેન હનીફમીંયા સૈયદએ ચેરમેન પદેથી રાજીનામું ધર્યુ તેમાં કેટલાકની આડોડાઇ હોવા ઉપરાંત જાહેર-શૌચાલય કે મુતરડીઓનાં પ્રશ્નોને પણ તેમણે ગંભીર ગણાવ્યા હતાં. ભુગર્ભ ગટર યોજના પાણી પુરવઠા બોર્ડ હસ્તક છે. જયારે મુતરડીઓની મિલકત નગરપાલીકા હસ્તક છે. ત્યારે બન્ને સંસ્થાએ સાથે મળી ઉકેલ લાવે તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.

(11:59 am IST)