Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

જીજ્ઞેશ મેવાણીની ચિમકીથી કચ્છમાં ભારેલો અગ્નિ

ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિના દિવસે સામખીયાળી ચેક પોસ્ટ ઉપર ચક્કાજામ કરીને સાંથણીની જમીન મુદ્દે ભાજપની નિષ્ક્રીયતા સામે જંગઃ વહીવટી તંત્ર ઉંધા માથે

ભુજ, તા., ૧૩: કચ્છમાં અને તેમાંયે ખાસ કરીને પુર્વ કચ્છના રાપર, ભચાઉ પંથકમાં દલીત ખેડુતોને સાંથણીની જમીનોનો કબ્જો વર્ષો સુધી નહી સોંપવાના મુદ્દે ભાજપ સરકારની નિષ્ક્રીયતા સામે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કાલે ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતી પ્રસંગે  સામખીયાળી ચેકપોસ્ટ ઉપર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

બે મહીના પહેલા જીજ્ઞેશ મેવાણીએ ચીમકી આપ્યા પછી હમણાં જ કચ્છના બે દિવસનો પ્રવાસ પણ કર્યો હતો. દરમ્યાન સાંથણીની જમીનનો કબ્જાના મુદ્દે વર્ષો સુધી દલીત ખેડુતોને દાદ નહી આપનાર કચ્છનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ગઇકાલે જિલ્લા કલેકટર રેમ્યા મોહને અત્યાર સુધી સાંથણીમાં કબ્જો નહી લેનારા ખેડુતોને જમીન આપવા માટે પુર્વ કચ્છના ડે. કલે. નવલદાન ગઢવીને રાપરમાં મુકયા હતા. જયાં તેમણે અલગ અલગ ગામોમાં ખેતરો ઉપર જઇ લાભાર્થી ખેડુતોના નામ પોકાર્યા હતા. તે ઉપરાંત અત્યારે પાંચ ગામોના દલીત ખેડુતોને અને છ મહીનામાં તમામ ખેડુતોને જમીન આપી દેવાની કચ્છના મહેસુલી તંત્રએ બાંહેધરી આપી છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ચીમકીને પગલે આવતીકાલે કચ્છમાં ભારેલા અગ્નિ જેવી પરીસ્થિતી છે. સામખીયાળી ચેકપોસ્ટ ઉપર ચક્કાજામ કરવાની ચીમકીને પગલે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

તો જીલ્લા કલેકટર રેમ્યા મોહને કચ્છના દલીત આગેવાનો સાથે મોડે સુધી બેઠક યોજીને તેમનાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી બંધમાં નહિ જોડાવવા અપીલ કરી હોવાનું ચર્ચાઇ રહયું છે. જો કે જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ મુદ્દે મીડીયાને બ્રીફીંગ કરવાનું ટાળ્યું છે. પરંતુ જીજ્ઞેશ મેવાણીની એટલી પ્રબળ અસર છે કે કચ્છનું વહીવટી તંત્ર ઉંધે માથે છે.

(12:11 pm IST)