Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી

ગામે- ગામ પુષ્પાંજલી, લોકડાયરો સહિત અનેકવિધ કાર્યક્રમો

રાજકોટ તા. ૧૩ : ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની કાલે ૧૨૭મી જન્મજયંતિ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધામધૂમથી ઉજવાશે.

જે અંતર્ગત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે અને અનેક જગ્યાએ લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા છે.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા : રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ દિનની સામાજીક સમરસતા દિન તરીકે રાજયના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં લોકડાયરાના કાર્યક્રમનું જિલ્લા મથક ખાતે આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાયરો ૧૪મી એપ્રિલ ૨૦૧૮ના રોજ નવાનાકાની અંદર, ચમાર વાસ, ખંભાળિયા ખાતે સાંજે ૮ કલાકે યોજવામાં આવનાર છે. જાહેર જનતાને આ લોકડાયરો નિહાળવા માટે જિલ્લા રમતગમત અધિકારી શ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર

વઢવાણ - સુરેન્દ્રનગર : જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવણી નિમીતે તા. ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ પાટડી તાલુકાના સડલા ખાતે ગ્રામ પંચાયત ચોકમાં રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. સડલા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવણી નિમિતે યોજાનાર આ લોકડાયરામાં જય મેલડી યુવક મંડળ સડલાના લોક કલાકારો દ્વારા બાબાસાહેબ આંબેડકરના જીવન કવન આધારિત ગીત, ભજન, લોકસાહિત્યની લ્હાણી કરશે. આ લોકડાયરાનો બહોળા પ્રમાણમાં લોકસાહિત્ય પ્રેમી જનતાએ લાભ ઉઠાવવા જિલ્લા રમત ગમત અધિકારી સુરેન્દ્રનગર દ્વારા જણાવાયુ છે.

જોડીયા

જોડીયા : ગ્રામ પંચાયત તરફથી તા. ૧૪ના ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિની ઉજવણી માટે દસ હજારની રકત ફાળવવામાં આવેલ છે. ઉજવણી પ્રસંગે દલિત સમાજને પ્રોત્સાહન આપવા માટે સરપંચશ્રી તલાટી કમ મંત્રીશ્રી અને પંચાયતના સભ્યોશ્રી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીની સ્વચ્છતા બાબતે માર્ગદર્શન આપવામાં આવશે અને સ્વચ્છતાની શ્રેષ્ઠ કામગીરી કરનારા દલિત સમાજના કાર્યકરોનું સન્માન કરવામાં આવશે.

મોરબી

મોરબીઃ મોરબીના રોહીદાસમાં ડો. આંબેડકર જયંતીની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સોસાયટીના પંચભાઇઓ દવરા તા.૧૩ના રાત્રે ૯ વાગ્યે ભીમ ભજન કાર્યક્રમનું આયોજન કરેલ છે.જેમાં નામાંકિત કલાકારો ભજનની સરવાણી વહાવશે.

સાવરકુંડલા

સાવરકુંડલાઃ શહેરની મધ્યમાં આવેલ શ્રી રિધ્ધિસિધ્ધિનાથ ચોક ખાતે નાવલી પોલીસ ચોકી પાસે ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સ્થળે સવારે ૮ કલાકે પ્રતિમાને ફુલહાર પુષ્પાંજલિ તથા બપોરે ર વાગ્યા સુધી પ્રતિમા સ્થળ પર સભા, ડો.બાબાસાહેબના ગુણગાન વગેરે જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

દિવ

દીવઃ મહારેલી સવારે નવ કલાકે બંદર ચોક દીવથી ગાંધીપરા કોમ્યુનીટી હોલ પહોંચશે અને અભિવાદન સમારોહ થશે.

અમદાવાદ

અમદાવાદઃ ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ. રપમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે ત્યારે આ સમગ્ર વર્ષને રજતજયંતી વર્ષ તરીકે ઉજવવાનું નકકી કર્યું છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના રપમાં સ્થાપના દિવસ તથા રજતજંયતી વર્ષ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર યુનિ. તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે તા.૧૩-૧૪ એપ્રિલના રોજ રાષ્ટ્રે જાગૃતાય વયમ વિષય પર રાષ્ટ્રીય સેમિનારૃં આયોજન કર્યું છે. આ રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્દઘાટન તા.૧૩ એપ્રિલના રોજ સવારે૧૧ કલાકે રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે થશે. આ ઉદ્ઘાટન પ્રસંગે રાજયના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયકક્ષાના પ્રધાન શ્રમતી વિભાવરીબેન દવે, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી પંડયા, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના કુલપતિ ડો. પંકજ એલ.જાની ઉપસ્થિતિ રહેશે.

(11:53 am IST)