Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ભાવનગરનાં તળાજામાં રવિવારથી ચાર દિવસીય આધુનીક ખેતી સેમીનાર - કૃષિમેળો

રાજકોટ તા. ૧૩ : ભાવનગર જીલ્લાના તળાજા મુકામે ચાર દિવસીય આધુનિક ખેતી સેમિનાર અને કૃષીમેળો યોજાશે. ઉદઘાટન સાંસદ ડો.ભારતીબેન શીયાળ કરશે અને માર્કેટીંગ યાર્ડ તળાજાના ચેરમેન વિક્રમસિંહ ગોહિલ અને બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓ સમારંભમાં ઉપસ્થિત રહેશે.

તા. ૧૫ થી તા. ૧૮ સુધી રોજ સવારે ૯-૩૦ થી બપોરના ૧-૩૦ કલાક સુધી કૃષિ નિષ્ણાંતો ઓર્ગેનીક ખેતી, સજીવ ખેતી, ખેતપેદાશનું મુલ્યવર્ધન, ખેડૂતોની પોતાની કંપની સ્થાપનાની માહિતી તથા લાખેણી વાડ અંગેની માહિતી આપશે. આ કૃષિ સેમિનારમાં નાબાર્ડના અધિકારીઓ ફાર્મર પ્રોડયુસર કંપની અંગે એમસીએકસ કંપનીમાંથી કોટનના ભાવ અને હેજીંગ અંગે દક્ષાબેન જાની, ઓર્ગેનીક ઝહેરમુકત ખેતી માટે ગફારભાઇ લૈયા ખેડૂતોના માટે કામ કરતા દિનેશ ટીલવા અવનવી ખેતી વિશે માહિતી આપશે. સફળ ફાર્મર પ્રોડયુસર કંપની ચલાવતા કોળાવાના ખેડુત માવજીભાઇ પટેલ પોતાના અનુભવો ખેડૂતો સાથે શેર કરશે અને કંપની સ્થાપવા અંગેની માહિતી આપશે. લાખેણી વાડ અંગે કિશોર ભટ્ટ માર્ગદર્શન આપશે અને ખેતપેદાશના મુલ્યવર્ધન અંગે જયેશ રાદડીયા માર્ગદર્શન આપશે.

આ ચાર દિવસીય નિઃશુલ્ક સેમિનારની સાથે સાથે કૃષિમેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેડૂતો ખેતીની નવી ટેકનોલોજી અંગે માહિતી મેળવી શકશે. કૃષિમેળો દરરોજ સવારે ૯ થી સાંજના ૬-૩૦ સુધી જાહેર જનતા માટે નિઃશુલ્ક ખુલ્લો રહેશે. ખેતીપ્રધાન દેશમાં ખેતીમાં નવા પરિવર્તનની ખૂબ જરૂર છે ત્યારે ઇન્ફોકોમ વર્લ્ડ અને એમસીએકસ દ્વારા સંયુકત રીતે આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. તળાજા માર્કેટીંગ યાર્ડ, પાલીતાણા ચોકડી ખાતે આયોજીત આ સેમીનારમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી સંખ્યામાં ભાગ લેવા તથા વધુ માહિતી માટે ઇન્ફોકોમ વર્લ્ડનો ૭૬૯૮૯ ૯૯૪૯૯ - ૭૬૯૮૯ ૯૯૩૯૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:30 am IST)