Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

મેથળા બંધારાના સ્થળે જ રસોઇ તૈયાર થવા લાગીઃ લોકો એક દિ'ના ભોજનના સ્વયંદાતા બનવા લાગ્યા

ભાવનગર તા. ૧૩ :.. તળાજા અને મહુવા તાલુકાના અંતરીયાળ અને દરીયાની ખારાશ વધવાના કારણે આર્થીક રીતે સતત પછાત બનતા જતા પંદર ગામના લોકોની સતત છેલ્લા વીસ વર્ષની મેથળા ખાતે બંધારો બનાવી આપવાની સરકારે કરેલી ધોર ઉપેક્ષાના કારણે ના છૂટકે આ વિસ્તારના લોકો સ્વયં બંધારાનું કામ હાથ ધર્યુ છે.

સરકારી બાબુઓ હજુ બંધારા બનાવવાના આયોજનમાં કાગળો પર વ્યસ્ત છે ત્યારે બંધારાનું કામ સતત શ્રમદાતાઓ દ્વારા આગળ વધી રહ્યું છે.

શ્રમદાનીઓનો ઉત્સાહ વધે તે માટે જેસીબી, ટ્રેકટર જેવા વાહન ધરાવતા માલીકો પોતાનું વાહન સ્વંયભુ રીતે સમયને આધીન બંધારો બનાવવા માટે દાનમાં આપી રહ્યા છે. ત્યારે ગઇકાલથી અહીં જે લોકો શ્રમદાન કરી રહ્યા છે તે લોકોને ગરમા ગરમ રસોઇ મળી રહે તે માટે અન્નદાતાઓ દ્વારા રસોડુ શરૂ કરવામાં આવ્યું છે.

ભરતભાઇ ભીલના જણાવ્યા પ્રમાણે દાતાઓ એક દિવસ-બે દિવસ એમ શકિત મુજબ રસોઇ લખાવી રહ્યા છે. અહીંના રસોયા દ્વારા મળેલ કાચુ સિધુ રાંધી આપે છે.

આ કાર્યમાં ભવાનભાઇ ચૌહાણ (દયાળ), ગગુભાઇ બારૈયા (ઉંચા કોટડા), ઘનશ્યામભાઇ બારૈયા (મેથળા), હરેશભાઇ ભીલ, તુલસીભાઇ ચૌહાણ (દયાળ), હેમતભાઇ સાંખટ તન, મન, અને ધનથી સેવા આપી રહ્યા છે.

આજ સુધીમાં આશરે ૭૦૦ મીટર પાળાનું કામ થયુ હોવાનું જણાવ્યું હતું. સાંજના સમયે આયોજનની મીટીંગ ગોઠવવામાં આવી હતી. બંધારા માટેનો વધુ આગળનો પ્લાનની યોજના ઘડવામાં આવશે.

મેથળા નજીક સ્થાનીક ગામડાઓના લોકો દ્વારા સ્વંયભુ રીતે સરકારની વારંવારને રજૂઆતથી કંટાળી બાંધવામાં આવેલા બંધારાને લઇ દાઠા, વાલર, તલ્લી, બાંભોર અને વેજોદરી ગામના  ખેડૂતો, મહીલાઓ આજે તળાજા અધિક કલેકટર સમક્ષ દોડી આવ્યા હતાં. આગેવાન પોલુભા સરવૈયા સહિતનાએ રજુઆત કરી હતી કે બંધારાનો વિરોધ નથી. પરંતુ બંધારો જે રીતે હાલ બંધાઇ રહયો છે તેમાં ડૂબમાં જતી જમીનને લઇ ખેડૂતોને અન્યાય ન થાય તથા આ વિસ્તારમાં અલ્ટ્રાટ્રેક સિમેન્ટ ફેકટરી સ્થાપવી જેનાથી લોકોને રોજગારી મળી રહે તેવી માંગ કરી હતી. સાથે માઇનીંગ કરવા દેવામાં નહીં આવે. માઇનીંગ ની સરકારે આપેલ મંજૂરીનો વિરોધ દર્શાવ્યો હતો.

(11:29 am IST)