Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

રાષ્ટ્ર નિર્માણમાં ડો. બાબા સાહેબ આંબેડકરનું પ્રદાન

'કોટડાસાંગાણી : આપણે પ્રથમ ભારતીય છીએ અને અંતે પણ ભારતીય છીએ.' પ્રબળ દેશભકિતથી છલકાતા આ શબ્દો છે. ભારતીય ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ સમું સ્થાન ધરાવનાર ડો. બાબાસાહેબ આંબેડકરના, સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનાર બાબાસાહેબ ભારતીય બંધારણના ઘડવૈયા, મહિલાઓના મુકિતદાતા, દલિતોના મસીહા, અર્થશાસ્ત્રી, કાયદાના પ્રકાંડ પંડિત અને પ્રખર દેશભકત હતા. મહાર જાતિમાં જન્મેલા ભીમરાવ નાનપણથી જ અસ્પૃશ્યાતા અને અવમાનનાનો ભોગ બનવા, છતાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અનન્ય પ્રદાનથી આજે પણ દેશ અને વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે.

સદીઓથી ભારત વર્ણવ્યવસ્થાના ચક્રવ્યૂહમાં ફસાયેલો દેશ છે. આ જડ વર્ણવ્યવસ્થાના કારણે તે ઝડપથી પ્રગતિ સાધી શકયો નથી તે સુવિદિત છે. ઇ.સ. પૂર્વે પ૦૦ વર્ષ પહેલા મહામાનવ ભગવાન બુદ્ધે જાતિવાદી વર્ણવ્યવસ્થા અને ઉચ્ચ નીચના ભેદભાવને મીટાવી સમાનતાની હિમાયત કરી હતી. ત્યારબાદ યુગ નિર્માતા કબીર, ક્રાંતિકારી સમાજ સુધારક સંત રોહીદાસ, સંત સૂરદાસ, સામાજિક ક્રાંતિના પિતા ગણાતા જયોતિબા ફૂલે અને બિરસા મુંડા વગેરે મહામાનવોએ સમગ્ર ભારતમાં સમયાંતર વર્ણવયવસ્થાનો વિરોધ કરી સમાનતા અને બંુતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. તો ગુજરાતમાં પણ વીર મેઘમાયાએ આત્મ બલિદાન દ્વારા સમાનતાની અને ઉંચ નીચના ભેદ મીટાવવાની વાત કરી હતી. આ ઉપરાંત કેટલાક સંતો, મહંતો અને કવિઓએ પણ આ ખોખલી વર્ણવ્યવસ્થા સામે બંડ પોકાર્યા હતાં. તેમ છતાં જાતિવાદ કે વર્ણવ્યવસ્થાથી આ દેશને થયેલા ગંભીર નુકસાન તરફ દોરવાનું મહત્વપૂર્ણ કાર્ય ડો. બાબાસાહેબ આંબેડકરે કર્યું હતું. મહાડના ચવદાર તળાવમાં દલિતો સાથે પાણી પી તેઓએ સમાનતા અને અધિકારની વાતી હતી. તેમના મતે 'સર્વ માનવ ઇશ્વરના સંતાન છે તો આ ભેદભાવ શા માટે ? જે તળાવમાંથી પશુ પક્ષી પાણી પી શકતા હોય તો દલિતો કેમ નહિ ?' જેવા સવાલોથી જાતિવાદનો વિરોધ કરી દલિતો તથા સ્ત્રી વિશે અસમાન અને અપમાનજનક વર્ણનો વાળા 'મનુસ્મૃતિ' ગ્રંથની જાહેરાતમાં હોળી કરી. આમ તેમણે દેશને વર્ણવ્યવસ્થાથી મુકત કરવા અને દેશની એકતાને અખંડિત રાખવાનું હિમાલય કાર્ય કર્યું.

ડો. આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ કાનૂન મંત્રી બન્યા. તેમણે રીપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડીયાનું ગઠન કરી દેશના દલિત વર્ગને રાજકીય સ્તરે આગળ વધવાની તાકાત આપી. સંવિધાન સમિતિના અધ્યક્ષ બની ભારતીય બંધારણના નિર્માતા બન્યા. તેમના માટે દેશનું હિત સર્વોપરી હતું. આથી ૧૯૪૦ માં મુસ્લિમ લિગની પાકિસ્તાનની માંગ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા જે સમજવા જેવા છે. ડો. આંબેકટરે વૈજ્ઞાનિક અને ઐતિહાસીક તથ્યોના આધારે આર્યો બહારથી આવેલ પ્રજા છે અને શુદ્રો આર્ય નથી એવા અંગ્રેજીના દુષ્પ્રચારનો વિરોધ કર્યો હતો. તેમણે અભ્યાસથી સાબિત કર્યુ કે શુદ્રો પણ આર્ય છે.

બાબા સાહેબનું જીવન એ બાબતનું ઉદાહરણ છે કે વ્યકિતની જાતિ પારિવારિક નિર્ધનતા, અગવડતાઓ અને સમાજનો વિરોધ તેની પ્રગતિને રોકી શકતો નથી કારણ કે વ્યકિતનો દ્રઢ નિશ્ચય જ તેનું નિર્માણ કરે છે. બાબા સાહેબનું સમગ્ર જીવન આજના યુવકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. એમણે દેશના યુવાનોને પરિશ્રમી અને ગુણ સંપન બનવાનું આહવાન કર્યુ છે.

ડો. આંબેડકરના સામાજિક અને રાજનૈતિક સુધારાઓનો આધુનિક ભારત પર ઊંડો પ્રભાવ પડયો. તેમના વિચારો આજની સામાજિક, આર્થિક નીતિઓ, શિક્ષણ, કાનૂન અને સકારાત્મક કાર્યવાહીમાં દ્રષ્ટિગોચર થાય છે. સ્વતંત્ર ભારતના બંધારણની રચનામાં તેમની વિદ્વતા અને કાર્યનિષ્ઠાથી પોતાના સહયોગીઓ અને દેશના લોકો પાસેથી ઘણી પ્રસંશા મેળવી હતી.

ર૪ સપ્ટેમ્બર ૧૯૩ર માં પૂના સંધિ કરી તે રાષ્ટ્રની એકતાને મજબુત કરવાનું એક આગવું કદમ બાબા સાહેબે જ ઉઠાવેલું. એટલું જ નહિ દલિતો માટેની અલગ નિર્વાચનની માંગ પણ દેશની એકતાને જાળવવા માટે જતી કરી હતી. તો સાથે સાથે દલિતો માટે આરક્ષણની વ્યવસ્થા કરી દલિતોને ઉન્નતિની આધારશીલા પણ પુરી પાડી. આમ માનવી માનવી વચ્ચે સમાનતા સ્થાપિત કરવા માટે બાબા સાહેબે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું.

ડો. બાબાસાહેબ આંબેડકર દેશપ્રેમી જ નહિ, પણ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પ્રેમી પણ હતાં. હિન્દુ કાંડ બિલ દ્વારા  ભારતીય સમાજ વ્યવસ્થાની ખામી સમાન રૂડીચુસ્ત ખ્યાલોનો વિરોધ કરવાની સાથે સાથે ગુલામી અવસ્થામાં જીવતી ભારતીય સ્ત્રીઓની મુકિતની ઝંખના પણ તેમણે સેવી હતી. તેમણે સ્વતંત્રતા, પુરૂષ સમોવડી અને મિલ્કતમાં ભાગ જેવા અનેક મુદાઓ વણી લઇ સ્ત્રીઓના મુકિતદાતા અને સ્ત્રી ઉધ્ધારક બની રહ્યા.  જેના ફળસ્વરૂપે આજે સ્ત્રીઓ મુકત અને સ્વતંત્ર જીવન જીવી શકે છે. આમ બાબાસાહેબ ભારત દેશને પુર્ણપણે વિકસીત જોવા ઇચ્છતા હતાં.(૮.૪)

-: સંકલન :-

- ચંદ્રેશકુમાર એમ. મયાત્રા

(એડવોકેટ એન્ડ પ્રેસીડેન્ટ બાર એસો. કોટડા સાંગાણી)

- ડો. જયાબેન સી. મયાત્રા

(મદદનીશ પ્રાધ્યાપક સરકારી વિનયન કોલેજ -કોટડા સાંગાણી)

(10:03 am IST)