Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

સામાજીક ન્યાયના સેનાની - ડો. બાબા સાહેબ આંબેડકર

ડો. બાબા સાહેબ આંબેડકર માત્ર દલીતોના જ નહીં પરંતુ સમાજના દરેક વર્ગના મસીહા હતાઃ સંવિધાનના શિલ્પી, મૂલ્યનિષ્ઠ રાજપુરૂષ ઉપરાંત સંનિષ્ઠ સમાજ સુધારકે પ્રાંભેલા કાર્યોને પૂર્ણ કરીએ એ જ એમનું યથોચિત સન્માન થયુ ગણાશેઃ કાલે જન્મજયંતિ

૧૪ એપ્રિલ ૧૧૯૦નાં તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી વૈંકટરામનનાં કરકમલોથી ડો. આંબેડકરજીનાં ધર્મચારીણી ડો.સવિતાદેવીને રાષ્ટ્રનો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરી ડો. બાબા સાહેબનું રાષ્ટ્રમાં ઉચિત સન્માન થયુ. ભારતની સંસદમાં ૧૨ એપ્રિલ ૧૯૯૦નાં રોજ બાબા સાહેબનું તૈલ ચીત્ર પણ મુકવામાં આવ્યુ છે. ભારતનાં લોકો આપણાં બાબા સાહેબને બંધારણનાં ઘડવૈયા તરીકે પણ ઓળખે છે. ભારતનાં પદદલીતો એમનાં પોતાનાં મુકતીદાતા માનીને યાદ કરે છે. વિદ્વાનોની દ્રષ્ટીએ ડો. આંબેડકર વિદ્યા પુરૂષ હતા, રાજનિજ્ઞોની દ્રષ્ટીએ તેઓ લોકશાહીનાં સાચા પ્રવાહક હતા, ચિંતકોની દ્રષ્ટીએ તે સમાજ સુધારક હતા તો ધાર્મિક જનોની દ્રષ્ટીએ તેઓ ધર્મ પુરૂષ હતા.

      ડો. બાબા સાહેબ બહુરંગી પ્રતિભાનાં સ્વામી હતા. કુશળ ધારાશાસ્ત્રી, વિદ્વાન અધ્યાપક, સ્વતંત્ર વિચારક, મૌલીક સર્જક, આજીવન સમાજ સુધારક, દ્રષ્ટીવાન શિક્ષણશાસ્ત્રી, નારી શોષણ મુકતીનાં લડવૈયા, લડાયક મિજાજનાં વિદ્રોહી પુરૂષ હતા. દરેક લેખકેગુણનાં સાગરને પોતાની દ્રષ્ટીએ અને પોતાનાં માપદંડોથી માપવાનો સમજવાનો પ્રયત્ન કર્યો છે. જેવી જેની દ્રષ્ટી તેવુ તેનું દર્શન  લાગ્યુ. આ મહામાનવનાં જીવનનું મુલ્યાંકન દરેકે ભલે પોતાનાં માપદંડથી કર્યુ હોય પણ એક વાત નિશ્વિત છે કે ડો. બાબા સાહેબ આંબેડકર આધુનિક ભારતનાં અને સાંપ્રત સમયનાં મહાપુરુષ હતા. ભારતનો આર્થીક સમાજીક અને ધાર્મિક અને રાજનૈતિક વિચારોનો અને ચળવળોનો ઇતિહાસ જયારે પણ લખાશે ત્યારે અનિવાર્યપણે અગ્રતાક્રમે બાબાસાહેબના નામોલ્લેખ  કરવો જ પડશે. કરોડો લોકોનાં જીવનમાં પ્રકાશપુંજ પાથરી દેનાર ભારતનાં મહાનસુપુતે સમયનાં વહેણને બદલી દીધુ હતુ.

ભીમરાવે પ્રાથમિક કેળવણી મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી હતી. પિતાને મુંબઈમાં રહેવાનું થતાં હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રમાબાઈ સાથે થયા. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજયના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ પિતા રામજી સકપાલનું નિધન થતાં ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે ભિમરાવને ખુબ જ દુઃખ થયુ. આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક ગ્રામીણ બાળક વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડો. આંબેડકર બની ગયા.

એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા ભીમરાવ રામજી આંબેડકર શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ દ્વારા ડોકટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી.

હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજયના મીલીટરી સેક્રેટરી તરીકે કરી હતી.

ડો.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડો.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશા સ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડો.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈની કુંખે ઇ.સ.૧૯૨૦માં બાળરત્ન યશવંતનો જન્મ થયો. ૧૯૨૩માં ડો.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડો.આંબેડકરને તેમના મહાનિબંધ 'રૂપિયાનો પ્રશ્ન' એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ 'ડોકટર ઓફ સાયન્સ'ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડો.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શકયા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.

જુન ૧૯૨૮ માં ડો.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે 'સાયમન કમિશન'ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડો.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડો.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓકટોબર ૧૯૨૮ મા ડો.આંબેડકર 'સાયમન કમિશન' સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડો.આંબેડકર નું નામ દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.

સંકલન : અશ્વિન પટેલ, માહિતી બ્યુરો, જુનાગઢ

(10:03 am IST)