Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભાડલાના કનેસરા ગામે પુત્રીની હત્‍યા કરનાર પિતા પકડાયો : જમીન અને ઉપજના ભાગ બાબતે ડખ્‍ખો થતા ઢીમ ઢાળી દીધાની કબુલાત

હત્‍યા કર્યા બાદ બટુક કુકડીયા વીડી વિસ્‍તારમાં છૂપાય ગયો'તોઃ પોલીસ ડ્રોન કેમેરાની મદદ અને પગપાળા વીડી ખુંદી દબોચી લીધો

રાજકોટ, તા. ૧૩ :  ભાડલાના કનેસરા ગામે પુત્રીની હત્‍યા કરનાર પિતાને એલ.સી.બી. અને ભાડલા પોલીસે વીડી વિસ્‍તારમાંથી પકડી લીધો હતો. જમીન અને ઉપજના ભાગ બાબતે ડખ્‍ખો થયા બાદ પુત્રને પતાવી દીધો હોવાની કબુલાત આપી હતી.

મળતી વિગત મુજબ ભાડલાના કનેસરા ગામમાં રહેતા મહેશ ઉર્ફે રમેશ કુકડીયા બે દિવસ પહેલા પોતાના ઘરે ખાટલા ઉપર બેઠો હતો. ત્‍યારે તેના પિતા બટુક ચનાભાઇ કુકડીયાએ આવીને પુત્રને માથાના ભાગે લાકડીના ચારેક ઘા ફટકારી હત્‍યા કરી હતી બનાવ બાદ પિતા બટુક વિડી વિસ્‍તારમાં નાશી ગયો હતો.

આ બનાવ અંગે ભાડલા પોલીસે બટુક કુકડીયા વિરૂધ્‍ધ આઇપીસી ૩૦ર જી.પી. એકટ ૧૩પ ની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ આર. એસ. સાંકળીયા સહિતે તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં આરોપીને પકડી પાડવા માટે રેન્‍જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ તથા રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડે સૂચના આપતા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.

ભોગ બનનારનો પિતા બટુક વિડી વિસ્‍તારમાં નાશી છુટયો હોવાની બાતમી મળતા એલ.સી.બી. તથા ભાડલા પોલીસ સ્‍ટાફે તપાસ શરૂ કરી હતી. દરમ્‍યાન કનેસરા નજીક ભેટ ચુડાગામ તરફ જતા રસ્‍તે ડુંગરાળ ઝાડી ઝાખર વાળી વીડી વિસ્‍તારમાંથી બટુકનું બાઇક મળી આવ્‍યું હતું. પોલીસે બે દિવસ સુધી ડ્રોન કેમેરાની મદદથી અને પગપાળા વીડી ખૂંદી આરોપી બટુક ચનાભાઇ કુકડીયા (ઉ.વ.પર) (રહે. કનેસરાગામ) ને વીડી વિસ્‍તારમાંથી પકડી લીધો હોત. પોલીસે તેની પુછપરછ કરતા જમીન અને ઉપજના ભાગ બાબતે ડખ્‍ખો થતા પુત્રને લાકડી ફટકારી ઢીમ ટાળી દીધુ પિતાબટુકે કબુલાત આપી હતી. આ કામગીરી ભાડલા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ આર.એસ. સાંકળીયા તથા હેડ કોન્‍સ. સંજયભાઇ બોરીચા, મહાવીરભાઇ બોરીચા, સુનીભાઇ તલસાણીયા, બળદેવભાઇ સોલંકી, ગોવિંદભાઇ ધાંધલ, અરવિંદભાઇ ઝાપડીયા, જીગ્નેશભાઇ રાજપરા, વિજયભાઇ રોજાસરા, લાલજીભાઇ તલસાણીયા, વિજયભાઇ સરવૈયા, સંજયભાઇ રાજપરા, કરણભાઇ શેખ, વિનુભાઇ તલાસાણીયા, તથા એલસીબી શાખાના હેડ કોન્‍સ. પ્રણયભાઇ સાવરીયા, કોન્‍સ. ભોજાભાઇ ત્રમટા મથુરભાઇ વાસાણી દ્વારા કરવામાં આવી હતી.

(4:21 pm IST)