Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જૂનાગઢ જિલ્લામાં ૧૨૮ એકમોની અરજી મંજૂર : સરકાર દ્વારા કુલ રૂા. ૨૫૪.૩૨ લાખની સહાય ચુકવાઇ

જૂનાગઢ,તા. ૧૩: MSME એકમોને વ્‍યાજ સહાયની યોજનાથી પ્રેરાઈને ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માટે કુલ ૧૯૭ અરજીઓ મળી હોવાની વિગતો વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવી હતી. આ અરજીઓ પૈકી ૧૨૮ એકમની અરજીઓને મંજૂરી આપી રાજય સરકાર દ્વારા વર્ષ દરમિયાન કુલ રૂ. ૨૫૪.૩૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા નવી ઉદ્યોગ નીતિ - ૨૦૨૦ અંતર્ગત મધ્‍યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો એટલે કે MSMEને પ્રોત્‍સાહન આપવા માટે ધિરાણના ૨૫ ટકા સુધીની કેપિટલ સબસિડી મળવાપાત્ર છે, જેની મહત્તમ મર્યાદા રૂ. ૩૫ લાખ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્‍યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વિદેશી ટેક્‍નોલોજી મેળવવા માટે પ્રોત્‍સાહિત કરવા માટે આ નીતિમાં હેતુ માટે થયેલા કુલ ખર્ચના ૬૫ ટકા સુધીની સહાયની પણ જોગવાઈ કરવામાં આવેલી છે, જેની મહત્તમ મર્યાદા રૂ. ૫૦ લાખ નક્કી કરવામાં આવી છે.

(2:02 pm IST)