Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ખંભાળિયામાં વેપારી પુત્ર પાસેથી પઠાણી વ્‍યાજ વસૂલ કરી, ધાકધમકી

જામખંભાળીયા,તા.૧૩ : દ્વારકા ગેઈટ વિસ્‍તારમાં રહેતા વેપારી પુત્ર એવા કિશનભાઈ હિતેશભાઈ ભૂત નામના ૨૫ વર્ષના યુવાન દ્વારા દાલમિયા ગ્રાઉન્‍ડની પાછળ રહેતા શક્‍તિસિંહ અનોપસિંહ વાઢેર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે નવેમ્‍બર ૨૦૧૯ માં કિશને શક્‍તિસિંહ પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ની રકમ પાંચ ટકા વ્‍યાજના દરથી લીધી હતી. બાદમાં અનુક્રમે રૂ. ૧૦,૦૦૦, ૪૦,૦૦૦ તેમજ રૂપિયા ૨૫,૦૦૦ મળી, કુલ રૂપિયા ૧.૦૫ લાખની રકમ તેણે વ્‍યાજે લીધી હતી. જેના માસિક ૧૩ ટકા લેખે શક્‍તિસિંહને વ્‍યાજ ચૂકવવામાં આવતું હોવાનું તેણે પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે.

આ દરમિયાન કિશનભાઈ દ્વારા શક્‍તિસિંહ તથા તેના પત્‍નીના ખાતામાં યુપીઆઈ, ગુગલ-પૈથી વ્‍યાજ ચૂકવવામાં આવતું હતું. આટલું જ નહીં, ટુ-વ્‍હીલર ગીરવે મૂકયા પછી પણ તેણે કટકે કટકે રૂપિયા ૨,૦૧,૭૦૦ ની રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં પણ શક્‍તિસિંહ દ્વારા તેના માતા-પિતા પાસે જઈ અને ધાક-ધમકી આપી, તમારા એકના એક દીકરાને મારી નાખીશ. બળજબરી પૂર્વક મકાન પડાવી લઈશ તેમ કહી એડવોકેટ પાસે તેણે રૂપિયા ૧.૭૦ લાખ હાથ ઉછીના લીધાનું બળજબરીપૂર્વક લખાણ લખાવી અને બે કોરા ચેક મેળવી લીધા હતા.

 આમ, તોતિંગ વ્‍યાજની ઉઘરાણી કરી, મોટી રકમના ચેક બાઉન્‍સ કરાવી કોર્ટમાં કેસ કરવાની ધમકી આપવાના આ સમગ પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે કિશનભાઈ ભૂતની ફરિયાદ પરથી પેમેન્‍ટ ડીટેઈલ, કોલ રેર્કોડિંગ વિગેરેને ધ્‍યાનમાં લઈ, શક્‍તિસિંહ અનોપસિંહ વાઢેર સામે આઈ.પી.સી. કલમ ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

મોબાઇલ ચોર ઝડપાયો

 તાલુકા પંચાયત કચેરી સામે ડો. રાડીયા   વારી ગલીમાં રહેતા જીગ્નેશભાઈ મનસુખભાઈ ચોપડા નામના ૩૮ વર્ષના યુવાન   ઘરેથી જમીને દુકાને સાયકલ પર જઈ રહ્યા હતા, ત્‍યારે તાલુકા પંચાયત કચેરી પાસે પહોંચતા સાઇન મોટરસાયકલ પર ધસી આવેલા આશરે ૨૦ થી ૨૫ વર્ષના એક શખ્‍સે  ૧૫,૦૦૦ ની કિંમતનો   મોબાઈલ ફોન ઝૂંટવી લીધા બાદ તેમને ધક્કો મારી, પછાડીને નાસી છૂટયો હતો.

 જે સંદર્ભે અહીંના ઇન્‍ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ્‍ટેબલ ખીમભાઈ કરમુર તથા તેમની ટીમે  ૪  રસ્‍તા વિસ્‍તારમાંથી રાત્રિના દોઢેક વાગ્‍યાના સમયે સાઈન મોટરસાયકલ પર પસાર થતા સલાયાના રહીશ સિરાજ સાલેમામદ સંઘાર નામના ૨૩ વર્ષના શખ્‍સની અટકાયત કરી,  પૂછપરછ કરતા તેણે ઉપરોક્‍ત મોબાઇલ ફોન ઝૂંટવીને નાસી ગયો હોવાની કબુલાત આપી હતી. જે સંદર્ભે પોલીસે ઘોરણસર કાર્યવાહી કરી હતી.

ખીરસરાના યુવાનને મારી નાખવાની ધમકી 

 ખીરસરા ગામે રહેતા ભરતભાઈ નાથાભાઈ મોઢવાડિયા નામના ૨૬ વર્ષના મેર યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી,  ભરત મેણંદભાઈ, પ્રતાપ દેવશીભાઈ અને આવળા પોલાભાઈ નામના ત્રણ શખ્‍સોએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે બેફામ માર મારી ફેક્‍ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ કલ્‍યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. 

(1:16 pm IST)