Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ધ્રાંગધ્રા પંથકમાં ખેડૂતની નજર સામે જ ટ્રેકટર ભડકે બળ્‍યું

વઢવાણ,તા. ૧૩: ઇસદ્રા ગામના ખેડૂત ભુરાભાઇ મોતીભાઇ રબારીની વાડીએ ઘાણી કાઢવા માટે બાજુના ગામના ખેડૂત દલસુખભાઈ વાલજીભાઈનુ થ્રેસર આવેલુ હતુ. આ સમય દરમિયાન ટ્રેક્‍ટરના વાયરીંગમાં અચાનક શોકસર્કીટ થતાં ટ્રેક્‍ટરમાં અચાનક ભયાવહ આગ ભભુકી ઉઠી હતી. એમા પાણી પુરતું ન હોવાથી અને લાઇટ ન હોવાથી ખેડૂતોએ તાત્‍કાલિક ઇસદ્રા ડીવીઝનમા ફોન કરી થ્રી ફેઇઝ પાવરની રજૂઆત કરી હતી.પણ વીજપુરવઠો આવતા આવતા સંપૂર્ણ ટ્રેક્‍ટર આગની લપેટમાં આવી ગયુ હતું.

આ સમય દરમિયાન ધ્રાંગધ્રા ફાયરબ્રિગેડને પણ જાણ કરી હતી. પરંતુ અંતર આઠ કીલોમીટર હોવાથી ફાયર ફાઇટર આવતા વાર લાગી હતી. આ સમયે વિજપુરવઠો આવી જતા પાણીની મોટરથી આગને કાબુમા લીધી હતી. આ ઘટનાથી બંને ખેડૂતોની સાથે આજુબાજુના ખેડૂતોના શ્વાસ અધ્‍ધર થઇ ગયા હતા.

સદનસીબે આ આગની ઘટનામાં એક ખેડૂતનો તૈયાર મોલ બચી ગયો હતો. પરંતુ એક ખેડૂતનું ટ્રેક્‍ટર પળવારમાં ખેડૂતની નજર સામે સળગીને ભસ્‍મીભૂત થયુ હતુ. એ ખેડૂત પરિવાર માથે આકસ્‍મિક આર્થિક નુકસાન આવતા આફતનો પહાડ તૂટી પડ્‍યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થઇ ન હતી.

(12:09 pm IST)