Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પાટડીના રણમાં તુફાન ગાડીએ ૮ વર્ષના બાળકને કચડી નાખ્‍યો

વઢવાણ,તા. ૧૩ : પાટડી ઝીંઝુવાડાના રણ ખાતે આવેલા ઐતિહાસિક વચ્‍છરાજદાદાની જગ્‍યાએ ફતેપુર ગામનો એક પરિવાર દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્‍યારે તુફાન ગાડી નં- GJ-10-TX-8807 વાળી ગાડીએ બાઈક નં-GJ-13-BC-8832ને અકસ્‍માત સર્જીને જતી રહી હતી. જેમાં ફતેપુર ગામના સાગરભાઈ જીગરભાઈ, અને શાંતીબેન, તથા ૮ વર્ષનો બાળક ધાર્મિક સાથે હતો. જેઓને તુફાન ગાડીએ જોરદાર ટક્કર માર્યા બાદ ઘાયલ થયેલા ધાર્મિક, સહિત સાગરભાઈ, જીગરભાઈ અને શાંતીબેનને લોહિલુહાણ હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

જયાં ફરજ પરના તબીબે આશરે આઠ વર્ષના બાળક ધાર્મિકને પગના ભાગે અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત જાહેર કર્યો હતો. તથા પી.એમ સહીતની કાર્યવાહી પૂર્ણ કરી બાળકનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્‍યો હતો. તથા શાંતીબેનને સામાન્‍ય ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. અન્‍ય બે ઈસમો સાગરભાઈને સાથળના ભાગે અને માથાના ભાગે અને જીગરભાઈને પગ અને આખા શરીર પર ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્‍પિટલ ખાતે ખસેડવામા આવ્‍યા હતા. ત્‍યારબાદ તેઓના પરિવારજન અર્જુનભાઈ ભોપાભાઈ પાડીવાડીયા દ્વારા સાગરભાઈ અને જીગરભાઈ દ્વારા મોબાઈલમાં પાડેલા તુફાન ગાડી ફોટાના આધારે ગાડીની ઓળખ કરી અકસ્‍માત કરી નાસી છુટેલા ચાલક વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તુફાન ગાડી ચાલક વિરુદ્ધ અકસ્‍માત અંગેનો ગુન્‍હો નોંધી વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ ચલાવી રહી છે.

(1:58 pm IST)