Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભાણવડમાં છ લાખની ઘરફોડી

 જામ ખંભાળીયા,તા.૧૩ : મોટા કાલાવડ ગામના મૂળ વતની અને હાલ ભાણવડની ઓમકાર ગ્રીન ગાર્ડન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા તથા ખાનગી ક્‍લિનિક ચલાવતા નગાભાઈ ઉર્ફે નયનભાઈ દેવાણંદભાઈ રાવલીયા નામના ૩૩ વર્ષના આહિર યુવાન ગત  વાળુ- પાણી કરીને સુતા હતા. ત્‍યાર બાદ રાત્રિના કોઈ તસ્‍કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. આ મકાનના રસોડાના બંધ દરવાજાનો આગરીઓ તોડી અને  પ્રવેશેલા તસ્‍કરોએ તેમના મકાનમાં રહેલા લાકડાનો કબાટ ખોલી તેમાં રાખવામાં આવેલા કપડાં વિગેરે વેરવિખેર કરી નાખ્‍યા હતા.

 આ લાકડાના કબાટમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ તેઓને જોવા મળી ન હતી. આથી તેઓએ તેમના રૂપિયા ૨,૭૩,૦૫૯ ની કિંમતના ૪૫.૮૭૦ ગ્રામ વજનના સોનાના બે હાર, રૂ. અઢી લાખ રૂપિયાની કિંમતનો આશરે ૮ તોલાનો અન્‍ય એક હાર, રૂ. ૫૦૦ની કિંમતનો ખોટી ધાતુનો પીળો હાર ઉપરાંત રૂ. ૬૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થયાનું પ્રકાશમાં આવ્‍યું હતું.

આમ, કુલ રૂપિયા ૫,૮૩,૫૫૯ ના મુદ્દામાલની ચોરી થવા સબબ ભાણવડ પોલીસે નગાભાઈ ઉર્ફે નયનભાઈ રાવલિયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધ્‍યો છે. આ પ્રકરણમાં અહીંના ડી.વાય.એસ.પી. ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.ડી. વાંદા તથા સ્‍ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(11:21 am IST)