Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજયમાં એચ૩એનર વાઇરસે માથુ ઉચકતા ઝાલાવડમાં ચિંતાજનક સ્‍થિતી

ઓપીડીમાં દરરોજના ૪૫૦ થી ૫૫૦ કેસ : વઢવાણના ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલા કોરોનામાં સપડાતા હોમ આઇસોલેશનમાં રખાઇ

વઢવાણ,તા. ૧૩ : છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા ફેરફારોને કારણે ઠંડી,માવઠા અને હીટવેવ જેવી ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેને કારણે શરદી,ઉધરસ,તાવ જેવી બિમારીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ બે દિવસ હીટવેવ અને ત્‍યારપછી માવઠાની આગાહી કરવામાં આવી છે. આવા વાતાવરણને કારણે વાયરલ ઈન્‍ફેકશનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે સુરેન્‍દ્રનગરની મહાત્‍માગાંધી સરકારી હોસ્‍પીટલમાં જ દરરોજના ૪૫૦ થી ૫૦૦ ઓ.પી.ડી. કેસ આવી રહ્યા છે, અને સરેરાશ રોજના ૪૦ થી ૫૦ કેસોમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. આ માત્ર સરકારી હોસ્‍પીટલ ના આંકડા છે શહેર તથા જીલ્લાની અન્‍ય સરકારી હોસ્‍પીટલો, ખાનગી હોસ્‍પીટલો અને દવાખાનાઓમાં પણ અનેક ગણા કેસ આવતા હોવાનું જાણવા મળ્‍યું છે. ઉનાળો હજુ બરાબર જામ્‍યો નથી. એવામાં હજુ ઠંડીનો પણ અહેસાસ થાય છે અને માવઠા પણ પડે છે તેથી લોકો મિશ્ર વાતાવરણનો શિકાર બની રહ્યા છે. ઉનાળાનો આકરો તાપ પડવાનો શરૂ થશે ત્‍યાર પછી આવા કેસમાં ઘટાડો થવાની શકયતા છે પરંતુ હાલમાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે. તો બીજી તરફ ઝાલાવાડમાં ફરી કોરોનાનો પગ પેસારો થયો છે. વઢવાણ તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાનો પોઝીટીવ રિપોર્ટ આવતા હાલ તેઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે એકબાજુ શરદી,ઉધરસ,તાવની બિમારી અને બીજી બાજુ કોરોનાનો ફરી પગ પેસારો થતા લોકોએ હવે તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે.

 સુરેન્‍દ્રનગર મહાત્‍મા ગાંધી સરકારી હોસ્‍પીટલ ગરીબ દર્દીઓ માટે આશિર્વાદ સમાન છે પરંતુ હોસ્‍પીટલમાં કેટલાક વિભાગોના ડોકટરોની જગ્‍યા ખાલી છે. મહેકમ પુરૂ નથી. સોનોગ્રાફી મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. એમ.આર.આઈ મશીન છે પણ ઈન્‍સ્‍ટોલ કરવામાં આવેલ નથી. સુરન્‍દ્રનગરનાં સાંસદ અને કેન્‍દ્રીય આયુષ રાજય મંત્રી ડો.મહેન્‍દ્રભાઈ મુંજપરા આ બાબતે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરાવે તે ઈચ્‍છનીય છે.

સુરેન્‍દ્રનગર જિલ્લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડો.બી.જી. ગોહિલે જણાવ્‍યુ કે, વાયરલ ઈન્‍ફેકશન કે કોરોનાથી બચવા લોકોએ માસ્‍ક પહેરવુ જોઈએ. શકય હોય ત્‍યાં સુધી ભીડભાડવાળી જગ્‍યાએ ન જવુ જોઈએ. શરદી,ઉધરસ,તાવના લક્ષણો જણાય તો નજીકનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં જઈ તુરંત સારવાર લેવી જોઈએ તેમજ સપ્તાહ સુધી દવા લીધા પછી પણ સુધારો ન જણાય તો આર.ટી.પી.સી.આર ટેસ્‍ટ કરાવી લેવા જોઈએ. ભારે ખોરાક પણ ન લેવો જોઈએ, તીખા-ઠંડા અને વધુ પડતો ગળ્‍યો ખોરાક પણ ન લેવો જોઈએ.

(11:24 am IST)